તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th December 2025
માહીના નિવૃત્તિના સંકેત? ધોનીના ઉત્તરાધિકારી શોધવા CSK એ તિજોરી ખોલી; IPL 2026 ના ઓક્શનમાં વિકેટકીપર્સ પાછળ ₹32 કરોડનો ધુમાડો!
સંજૂ સેમસન અને કાર્તિક શર્માની એન્ટ્રીથી ચેન્નાઈમાં નવા યુગના મંડાણ: 'કેપ્ટન કૂલ' ની છેલ્લી સીઝનની અટકળો તેજ, સ્ટીફન ફ્લેમિંગે પણ સ્વીકાર્યું - "હવે બદલાવ જરૂરી છે"

નવી દિલ્હી: IPL 2026 ના મેગા ઓક્શન બાદ ક્રિકેટ જગતમાં એક જ ચર્ચા છે - "શું મહેન્દ્ર સિંહ ધોની હવે નિવૃત્તિના મૂડમાં છે?" ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ આ વખતે ઓક્શનમાં જે પ્રકારની વ્યૂહરચના અપનાવી છે, તે સ્પષ્ટપણે 'પોસ્ટ-ધોની' યુગ તરફ ઈશારો કરે છે. ટીમે વિકેટકીપર-બેટર્સ પાછળ અધધ ₹32.30 કરોડનું રોકાણ કરીને ભવિષ્યની તૈયારીઓ આરંભી દીધી છે.
CSK એ રાજસ્થાન રોયલ્સના પૂર્વ કેપ્ટન અને સ્ટાર વિકેટકીપર સંજૂ સેમસનને ₹18 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. એટલું જ નહીં, 19 વર્ષના અનકેપ્ડ ખેલાડી કાર્તિક શર્મા માટે ₹14.20 કરોડની રેકોર્ડબ્રેક બોલી લગાવીને સૌને ચોંકાવી દીધા છે. ઉર્વિલ પટેલને પણ જાળવી રાખતા હવે CSK પાસે ધોની સહિત કુલ ચાર વિકેટકીપર છે. જે ટીમ વર્ષ 2008 થી માત્ર ધોની પર નિર્ભર હતી, તેણે હવે આટલી મોટી સંખ્યામાં કીપર્સ ખરીદ્યા તે દર્શાવે છે કે માહીનો વિકલ્પ તૈયાર રાખવામાં આવી રહ્યો છે.
હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે ઓક્શન બાદ મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, "અમે જાણીએ છીએ કે એક દિવસ એમએસ (ધોની) આગળ વધશે. સંજૂ એક આંતરરાષ્ટ્રીય સ્તરનો અનુભવી ખેલાડી છે અને તે આ ભૂમિકાને સારી રીતે નિભાવી શકે છે." બીજી તરફ, 44 વર્ષીય ધોનીએ પોતે પણ સ્વીકાર્યું છે કે, "હું મારા કરિયરના છેલ્લા તબક્કે છું અને આગામી સીઝનને લઈને કોઈ પાકી ખાતરી આપી શકતો નથી." ધોનીને આ વખતે માત્ર ₹4 કરોડમાં અનકેપ્ડ પ્લેયર તરીકે રિટેન કરવામાં આવ્યો છે.
ચેન્નાઈની ટીમે આ વખતે પોતાની પરંપરાગત નીતિ બદલી છે. કુલ ₹43.40 કરોડના પર્સમાંથી 60% રકમ માત્ર બે ખેલાડીઓ પાછળ ખર્ચવી એ સાબિત કરે છે કે ટીમ હવે આક્રમક યુવા લોહી ઈચ્છે છે. પૂર્વ સાથી ખેલાડી રોબિન ઉથપ્પાએ પણ ટિપ્પણી કરી છે કે, "દીવાલ પર લખેલા અક્ષરો સ્પષ્ટ છે - આ ધોનીની છેલ્લી સીઝન હોઈ શકે છે."
IPL 2026 ક્રિકેટના સૌથી મહાન ફિનિશરના અંતિમ અધ્યાય અને ચેન્નાઈ સુપર કિંગ્સની નવી શરૂઆત વચ્ચેની એક મહત્વની કડી સાબિત થશે. મેદાન પર ધોનીને છેલ્લીવાર રમતા જોવા માટે ચાહકો આતુર છે, પરંતુ CSK એ માહી વગરના ભવિષ્ય માટે અત્યારથી જ આક્રમક ફિલ્ડિંગ ગોઠવી દીધી છે.
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
