તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th December 2025
ફરી મેચ ફિકસીંગનું ભૂત સળગ્યું : આસામ ક્રિકેટ એસોસીએશને ચાર ખેલાડીઓને સસ્પેન્ડ કર્યા
બીસીસીઆઇએ તપાસના આદેશો આપ્યા

નવી દિલ્હી : ભારતીય સ્થાનિક ક્રિકેટમાં ફરી એકવાર મેચ ફિક્સિંગનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. જેના કારણે ક્રિેકેટ જગતમાં શરમજનક સ્થિતિ સર્જાઇ છે. આસામ ક્રિકેટ એસોસિયેશન ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાના આરોપસર ચાર ખેલાડીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે અને તેમની સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરી છે.
આસામ ક્રિકેટ એસોસીએશનના સચિવ સનાતન દાસે મીડિયાને આ કાર્યવાહી અંગે માહિતી આપતા જણાવ્યું કે, ‘ચાર ખેલાડીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ખેલાડીઓ, અમિત સિંહા, ઇશાન અહેમદ, અમન ત્રિપાઠી અને અભિષેક ઠાકુરી, ક્રિકેટમાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે.'
આ મામલો ર૦રપ ની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી સાથે સંબંધિત છે. આ ચારેય ખેલાડીઓ પર આસામના કેટલાક ખેલાડીઓને મેચ ફિકસ કરવા માટે પ્રભાવિત કરવાનો અને ઉશ્કેરવાનો આરોપ છે. જો કે, આ ચાર ખેલાડીઓ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે આસામ ટીમનો ભાગ નહોતા.
આ ગંભીર આરોપો બાદ તાત્કાલીક ધોરણે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ભ્રષ્ટાચાર વિરોધી એકમે આ મામલે તપાસ શરૂ કરી છે. એસીએના સેક્રેટરી સનાતન દાસે માહિતી આપી કે આ ચારેય ખેલાડીઓ સામે ગુવાહાટી ક્રાઇમ બ્રાન્ચમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. એસીએના સેક્રેટરી દેવજીત સૈકિયાએ આ મામલે ચેતવણી આપતા જણાવ્યું હતું કે, ‘આવી હરકત (ભ્રષ્ટાચાર) બિલકુલ સહન કરવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે, સૈયદ મુશ્તા અલી ટ્રોફીમાં આસામની ટીમને એલીટ ગ્રુપ એ માં સ્થાન મળ્યું હતું. જેમાં સ્ટાર ભારતીય ક્રિકેટર રિયાન પરાગ પણ સામેલ હતો. આસામની ટીમ સાત મેચમાંથી માત્ર ત્રણ જીત સાથે તેમના ગ્રુપમાં સાતમા સ્થાને રહી હતી.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
