News of Friday, 12th December 2025
અંડર-૧૯ એશિયા કપનો ધમાકેદાર પ્રારંભ: ભારતીય યુવા ક્રિકેટ ટીમે UAEને ૨૩૪ રનથી હરાવી નોંધાવી ભવ્ય જીત!
વૈભવ સૂર્યવંશીની ૯૫ બોલમાં આક્રમક ૧૭૧ રનની ધૂઆંધાર ઇનિંગ્સ; ભારતે ૪૩૩ રનનો પહાડ જેવો બનાવ્યો સ્કોર

દુબઈ : ક્રિકેટ જગતમાં, આજે દુબઈ ખાતે રમાયેલી પુરુષોના અંડર-૧૯ એશિયા કપની ઓપનિંગ મેચમાં ભારતીય ટીમે યજમાન યુએઈને ૨૩૪ રનના વિશાળ માર્જિનથી કારમો પરાજય આપ્યો હતો. ભારતીય યુવા ખેલાડીઓના સર્વશ્રેષ્ઠ પ્રદર્શને મેચને એકતરફી બનાવી દીધી હતી.
યુએઈએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો, જે તેમને ભારે પડ્યો હતો. ભારતે બેટિંગમાં ઉતરીને નિર્ધારિત ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૪૩૩ રનનો પહાડ જેવો જંગી સ્કોર ખડકી દીધો હતો. આ ઇનિંગ્સનો હીરો હતો વૈભવ સૂર્યવંશી, જેણે માત્ર ૯૫ બોલમાં શાનદાર ૧૭૧ રન ફટકાર્યા હતા.
૪૩૪ રનના અશક્ય લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી યુએઈની ટીમ ૫૦ ઓવરના અંતે ૭ વિકેટે ૧૯૯ રન જ બનાવી શકી હતી. ભારતીય બોલરોએ UAEના બેટ્સમેનોને સતત દબાણમાં રાખ્યા હતા. ભારત તરફથી દીપેશ દેવેન્દ્રન સૌથી વધુ ૨ વિકેટ ઝડપીને સફળ બોલર રહ્યો હતો. આ વિજય સાથે ભારતે ટુર્નામેન્ટમાં પોતાની મજબૂત દાવેદારીની શરૂઆત કરી દીધી છે.
(7:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
