<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

મારા માટે શાંતિનો અર્થ મૌન નથી, નિયંત્રણ છે, જેને બોલવું હોય એને બોલવા દો

મારા લગ્ન કેન્‍સલ થઇ ગયા છેઃ સ્‍મૃતિ મંધાનાની સોશિયલ મીડિયામાં બહાદૂરીભરી પોસ્‍ટ

નવી દિલ્‍હીઃ ભારતીય મહિલા ક્રિકેટની જાણીતી ખેલાડી સ્‍મૃતિ મંધાના હાલમાં પોતાના અંગત જીવનને લઈને ઘણી ચર્ચાઓમાં આવી ગઈ છે. સંગીતકાર પલાશ મુચ્‍છલ સાથે લગ્ન તૂટ્‍યા પછી, સ્‍મૃતિ મંધાનાએ બેટ પકડી લીધું છે અને એ જલ્‍દી જ ક્રિકેટના મેદાન પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. દરમિયાન, સ્‍મૃતિ મંધાનાની તાજેતરની પોસ્‍ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ચાહકો આ પોસ્‍ટ પર ભારે કોમેન્‍ટ્‍સ કરી રહ્યા છે અને લાઇક કરી રહ્યા છે.

તેના લગ્ન કેન્‍સલ થયાની જાહેરાત કર્યા પછી, હવે સ્‍મૃતિએ મંગળવારે ઇન્‍સ્‍ટાગ્રામ પર એક અન્‍ય પોસ્‍ટ કરી છે. તેણે એક મોબાઇલ ફોન કંપની માટે એક એડ શૂટિગનો વીડિયો પોસ્‍ટ કર્યો છે. આ પોસ્‍ટની સાથે જ કેપ્‍શનમાં સ્‍ટાર ક્રિકેટરે કંઈક એવું લખ્‍યું છે કે જે ચાહકોમાં ચર્ચાનો વિષય બની ગયું છે. આ વીડિયોમાં, સ્‍મૃતિએ કહ્યું - મારા માટે, શાંતિનો અર્થ મૌન નથી, નિયંત્રણ છે. જેને બોલવું હોય એને બોલવા દો. હું શાંત રહીને જવાબ આપીશ. આ પોસ્‍ટને આઠ કલાકથી પણ ઓછા સમયમાં ચાર લાખથી પણ વધુ લાઇક્‍સ મળી છે.

સ્‍મૃતિ મંધાનાએ એક ભાવનાત્‍મક પોસ્‍ટ લખીને પોતાનું દુઃખ વ્‍યક્‍ત કર્યું હતું અને ચાહકોને પણ અપીલ કરી હતી. વર્લ્‍ડ ચેમ્‍પિયન ક્રિકેટરે કહ્યું - છેલ્‍લા કેટલાક અઠવાડિયાથી મારા જીવન વિશે ઘણી અટકળો ચાલી રહી છે, અને મને લાગે છે કે આ સમયે ખુલીને બોલવું મારા માટે જરૂરી છે. હું એક ખૂબ જ પ્રાઇવેટ વ્‍યક્‍તિ છું અને તેને આ રીતે રાખવા માંગુ છું, પરંતુ હું સ્‍પષ્ટ કરી દઉં કે હવે મારા લગ્ન કેન્‍સલ થઈ ગયા છે.

સ્‍મૃતિ મંધાનાએ આગળ લખ્‍યું - હું આ બાબતને અહીં જ વિરામ આપી દેવા માંગુ છું, અને હું તમારા બધાને પણ એ જ વિનંતી કરું છું. હું તમને વિનંતી કરું છું કે આ સમયે બંને પરિવારોની ગોપનીયતાનો આદર કરો અને અમને અમારી ગતિએ આગળ વધવા દો. મારું માનવું છે કે આપણા બધા પાછળ એક મોટો હેતુ છે, અને મારા માટે, તે હેતુ હંમેશા પોતાના દેશનું સર્વોચ્‍ચ સ્‍તરે પ્રતિનિધિત્‍વ કરવાનો રહ્યો છે. હું આશા રાખું છું કે હું શક્‍ય તેટલા લાંબા સમય સુધી ભારત માટે રમવાનું અને ટ્રોફી જીતવાનું ચાલુ રાખીશ, અને મારું ધ્‍યાન હંમેશા તેના પર રહેશે. તમારા બધાના સમર્થન બદલ આભાર. આગળ વધવાનો સમય આવી ગયો છે.

(10:46 AM IST)