<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

રોહિત શર્મા અને જયસ્વાલની ઓપનિંગ જોડીએ ઇતિહાસ રચ્યો : ધ્વસ્ત કર્યો 25 વર્ષ જૂનો રેકોર્ડ

રોહિત અને યશસ્વીએ સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીનો 25 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો

ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની વન-ડે સિરીઝની અંતિમ મેચ 9 વિકેટથી જીતી તે 2-1થી પોતાના નામે કરી લીધી છે. ટીમ ઈન્ડિયાને આ જીત મેળવવા માટે 271 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જે રોહિત શર્મા અને જયસ્વાલની ઓપનિંગ જોડીની શાનદાર શરૂઆત સાથે હાંસલ કરવામાં મદદ મળી હતી.

આ સાથે આ ઓપનિંગ જોડીએ એક મોટો રેકોર્ડ તોડ્યો છે. રોહિત અને યશસ્વી વચ્ચે પ્રથમ વિકેટની ભાગીદારી 155 રનની થઈ હતી.

 

જ્યારે રોહિત અને યશસ્વી દક્ષિણ આફ્રિકા સામે બેટિંગ કરવા માટે ઉતર્યા ત્યારે સૌને સારી શરૂઆતની અપેક્ષા હતી. તેઓએ શરૂઆતની કેટલીક ઓવરોમાં સાવધાનીપૂર્વક બેટિંગ કરી અને પછી રન રેટ વધાર્યો હતો. રોહિત અને યશસ્વીની જોડી સામે આફ્રિકન બોલરો સંપૂર્ણપણે લાચાર હતા.

તેમણે પ્રથમ વિકેટ માટે 155 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી જેને દક્ષિણ આફ્રિકાના બોલર કેશવ મહારાજે રોહિત શર્મા 75 રન બનાવીને આઉટ થતાં તોડી નાખી હતી. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ હવે દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે વનડેમાં ભારતીય ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ઓપનિંગ ભાગીદારી બની ગયા છે.

રોહિત અને યશસ્વીએ સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીનો 25 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેમાં વર્ષ 2000માં વડોદરાના મેદાન પર દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી વનડેમાં 153 રનની ઓપનિંગ ભાગીદારીનો સમાવેશ થાય છે.

રોહિત શર્માની શાનદાર 75 રનની ઇનિંગે શ્રેણીની તેની બીજી અડધી સદી નોંધાવી. આ ઇનિંગ સાથે રોહિતે ઘરઆંગણે 5,000 ODI રન પણ પૂરા કર્યા. આ સાથે રોહિત હવે સચિન તેંડુલકર અને વિરાટ કોહલી પછી 5,000 થી વધુ ODI રન બનાવનાર ભારતનો ત્રીજો ખેલાડી બની ગયો છે.

(9:42 PM IST)