તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd December 2025
ODI રેન્કિંગમાં મોટો ઉલટફેર: વિરાટ કોહલી ચોથા સ્થાને : શુભમન ગિલ પાંચમા ક્રમે સરક્યો!
રાંચી ODIમાં વિરાટની ૧૩૫ રનની વિસ્ફોટક ઇનિંગથી થયો ફાયદો; રોહિત શર્માનું ટોચનું સ્થાન યથાવત: KL રાહુલની પણ રેન્કિંગમાં પ્રગતિ

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના ODI બેટ્સમેન રેન્કિંગમાં ભારતીય ક્રિકેટરોએ ફરીથી દબદબો જાળવી રાખ્યો છે, પરંતુ તેમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ રાંચી ODIમાં દક્ષિણ આફ્રિકા સામે રમેલી ૧૩૫ રનની શાનદાર ઇનિંગની મદદથી એક સ્થાનનો ફાયદો મેળવીને ચોથા સ્થાને પહોંચી ગયો છે. બીજી તરફ, ઈજાને કારણે ODI શ્રેણીમાંથી બહાર રહેલા યુવા કેપ્ટન શુભમન ગિલ એક સ્થાન નીચે સરકીને પાંચમા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે ભારતીય સુકાની રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે સતત સારું પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન મજબૂત રીતે જાળવી રાખ્યું છે.
કોહલી માટે આ એક મોટો કૂદકો છે, કારણ કે દક્ષિણ આફ્રિકા સામેની આગામી બે ODI મેચોમાં જો તે સારું પ્રદર્શન કરે છે, તો તે રોહિત શર્માની નજીક પહોંચીને ટોચનું સ્થાન મેળવવાની મજબૂત સંભાવના ધરાવે છે. અન્ય ભારતીય બેટ્સમેનોની વાત કરીએ તો, ODI શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કરી રહેલા કેએલ રાહુલ (જેણે રાંચીમાં ૬૦ રન બનાવ્યા હતા) બે સ્થાન ઉપર આવીને ૧૪મા ક્રમે પહોંચી ગયો છે. જ્યારે મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયર પણ ટોપ-૧૦ માં પોતાનું નવમું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે.
વૈશ્વિક સ્તરે, ન્યુઝીલેન્ડનો ડેરિલ મિશેલ બીજા સ્થાને અને પાકિસ્તાનનો બાબર આઝમ છઠ્ઠા સ્થાને છે. આ રેન્કિંગ ભારતીય બેટ્સમેનોની વર્તમાન શાનદાર ફોર્મને દર્શાવે છે અને આગામી મોટી ટુર્નામેન્ટ પહેલા આ પ્રદર્શન ટીમ માટે સકારાત્મક સંકેત છે.
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
