News of Wednesday, 26th November 2025
અમે તેઓને ઘૂંટણીયે લાવી દેવા માંગતા હતા
દક્ષિણ આફ્રિકાના કોચના નિવેદનથી વિવાદ : ‘ઘૂંટણીયે પાડી દેવા' જે એવો શબ્દ છે જેનો ઇતિહાસ રંગભેદ અને ગુલામીની પીડાદાયક યાદો સાથે જોડાયેલો છે

નવી દિલ્હી : ભારત સામેની બીજી ટેસ્ટમાં પ૪૯ રનના પહાડ જેવા લક્ષ્ય સામે ભારતીય ટીમ જયારે સિરીઝમાં સૂપડા સાફ થવાના જોખમ સામે ઝઝૂમી રહી છે, ત્યારે દક્ષિણ આફ્રિકાના મુખ્ય કોચ શુક્રી કોનરાડના એક અભિમાની અને વિવાદાસ્પદ નિવેદને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. કોનરાડે બડાઇ મારતા કહ્યું કે તેઓ ભારતીય ટીમને ‘‘ઘૂંટણિયે પાડી દેવા'' માંગતા હતા. જે એક એવો શબ્દ છે જેનો ઇતિહાસ રંગભેદ અને ગુલામીની પીડાદાયક યાદો સાથે જોડાયેલો છે. ચોથા દિવસની રમતના અંતે પ્રેસ કોન્ફરન્સમાં, કોનરાડે પોતાના વિલંબિત ઇનિંગ્સ ડિકલેરેશનને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરતાં કહ્યું, ‘‘અમે ઇચ્છતા હતા કે ભારતીય ટીમ મેદાન પર વધુમાં વધુ સમય વિતાવે. અમે તેમને ઘૂંટણિયે પાડી દેવા માંગતા હતા (આ વાકય હું ચોરી રહ્યો છું) અને અમે મેચને તેમની પહોંચની બિલકુલ બહાર લઇ જવા માંગતા હતા.'' કોનરાડે આ માટે ‘ગ્રોવેલ' (Grovel) શબ્દનો ઉપયોગ કરીને વિવાદને જન્મ આપ્યો છે.
‘ગ્રોવેલ' શબ્દનો અર્થ જમીન પર સુવડાવી દેવા કે પછી ઘસડાવું થાય છે. આ એજ અપમાનજનક શબ્દ છે જેનો ઉપયોગ દક્ષિણ આફ્રિકી મૂળના શ્વેત ક્રિકેટર અને ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ટોની ગ્રેગે ૧૯૭૬ માં વેસ્ટ ઇન્ડિઝની ટીમ માટે કર્યો હતો. જેનો સંદર્ભ ગુલામીના ઇતિહાસ સાથે જોડાયેલો હતો. હવે સવાલ એ ઉઠે છે કે શું ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ પોતાના અશ્વેત કોચ દ્વારા વિરોધી ટીમ માટે આવા વાંધાજનક શબ્દનો ઉપયોગ કરવા બદલ કોઇ પગલાં લીધા છે કે નહીં. જયારે કોનરાડને પૂછવામાં આવ્યું કે ઇનિંગ્સ ડિકલેર કરવામાં આટલો વિલંબ કેમ કર્યો, કારણકે આનાથી ભારત મેચ ડ્રો પણ કરાવી શકે છે. ત્યારે તેમણે પોતાની રણનીતિને યોગ્ય ઠેરવવા માટે તર્ક આપ્યા. તેમણે કહ્યું, ‘‘અમે નવા બોલનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો તે વિચારી રહ્યા હતા. જેથી સવારે અમને નવો અને સખત બોલ મળી શકે. અમે જોયું કે સાંજે જયારે પિચ પર છાંયો આવે છે, ત્યારે ઝડપી બોલરોને મદદ મળે છે. તેથી અમે બહુ જલ્દી ઇનિંગ્સ ડિકલેર કરવા માંગતા ન હતા.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
