News of Sunday, 23rd November 2025
100 વર્ષનો રેકોર્ડ તૂટ્યો: ઓસ્ટ્રેલિયાએ એશિઝની પ્રથમ ટેસ્ટ બે જ દિવસમાં જીતીને રચ્યો આશ્ચર્યજનક ઇતિહાસ!
પર્થના મેદાનમાં ઇંગ્લેન્ડને 8 વિકેટે કારમો પરાજય; મેચ માત્ર 847 બોલમાં સમાપ્ત, ઓપનર ટ્રેવિડ હેડની શાનદાર સદી

પર્થ:ઓસ્ટ્રેલિયાએ પાંચ ટેસ્ટની પ્રતિષ્ઠિત એશિઝ શ્રેણીમાં ઇંગ્લેન્ડ સામે 1-0ની લીડ મેળવીને એક અદ્ભુત અને ચોંકાવનારો ઇતિહાસ રચ્યો છે. પર્થના મેદાન પર રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ માત્ર બે જ દિવસમાં સમાપ્ત થઈ ગઈ, જેમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને આઠ વિકેટે હરાવ્યું.
આ સાથે, છેલ્લા 100 વર્ષમાં આ પહેલીવાર બન્યું છે કે કોઈ એશિઝ ટેસ્ટ મેચ માત્ર બે દિવસમાં સમાપ્ત થઈ હોય. અગાઉ, આવી છેલ્લી મેચ 1921માં નોટિંગહામ ખાતે રમાઈ હતી.
ટ્રેવિડ હેડની જ્વલંત સદી: મેચમાં, ઓસ્ટ્રેલિયાને 205 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 28.2 ઓવરમાં આ લક્ષ્યાંક સરળતાથી હાંસલ કરી લીધો. ઓપનર ટ્રેવિડ હેડે વિસ્ફોટક બેટિંગ કરતા 16 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 123 રન બનાવ્યા, જ્યારે માર્નસ લાબુશેને અણનમ 51 રનનું યોગદાન આપ્યું.
આ મેચમાં વિકેટોનો વરસાદ થયો હતો. પહેલા દિવસે 19 વિકેટ પડી હતી, જ્યારે બીજા દિવસે 13 વિકેટ પડી હતી.
એશિઝ ઇતિહાસની સૌથી ટૂંકી મેચો: રમાયેલા બોલની દ્રષ્ટિએ, પર્થ ટેસ્ટ એશિઝ ઇતિહાસમાં ત્રીજી સૌથી ટૂંકી મેચ સાબિત થઈ. આ મેચ માત્ર 847 બોલમાં સમાપ્ત થઈ હતી. 20મી સદીની શરૂઆત પછીની આ સૌથી ટૂંકી એશિઝ ટેસ્ટ છે.
બે દિવસમાં સમાપ્ત થયેલી એશિઝ ટેસ્ટ વર્ષ સ્થળ
માન્ચેસ્ટર 1888 (સૌથી ટૂંકી: 788 બોલ)
લોર્ડ્સ 1888
ધ ઓવલ 1888, 1890
નોટિંગહામ 1921
પર્થ 2025 (100 વર્ષ પછી)
ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ અને કોચ બ્રેન્ડન મેક્કુલમના કાર્યભાર સંભાળ્યા પછી વિદેશમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડની આ પહેલી હાર છે. હવે બીજી એશિઝ ટેસ્ટ 4 ડિસેમ્બરથી ગાબા ખાતે રમાશે
(12:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
