તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 16th November 2025
IPL ઓક્શનનો ધમધમાટ: 71 ખેલાડીઓ છૂટા કરાયા, કયો ધુરંધર બનશે કરોડપતિ?
રિટેન્શન વિન્ડો ક્લોઝ: 10 ટીમો પાસે રૂ.237 કરોડ, KKR સૌથી મજબૂત 'પર્સ' સાથે મેદાનમાં: 'મિની ઓક્શન'માં કઈ ટીમની ખરીદી રહેશે આક્રમક?

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ખેલાડીઓ માટેની રિટેન્શન વિન્ડો શનિવાર, 15 નવેમ્બરના રોજ બંધ થઈ ગઈ છે. દસ ફ્રેન્ચાઇઝી ટીમોએ કુલ 173 ખેલાડીઓને રિટેન કર્યા છે, જેના માટે તેમણે રૂ.1012.45 કરોડનો ખર્ચ કર્યો છે. જોકે, આ પ્રક્રિયામાં કુલ 71 ખેલાડીઓને મુક્ત કરવામાં આવ્યા છે, જેમાં 32 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે, જે હવે આગામી ઓક્શનનો ભાગ બનશે. આ રિટેન્શનમાં પંજાબ કિંગ્સે સૌથી વધુ 21 ખેલાડીઓ જાળવી રાખ્યા છે.
રિટેન્શન બાદ હવે બધાની નજર IPLના મિની ઓક્શન પર છે, જેને 'ખેલાડીઓનું બજાર' કહેવામાં આવે છે. આગામી હરાજીમાં 10 ટીમો માટે કુલ રૂ.237.55 કરોડનું પર્સ ઉપલબ્ધ રહેશે, જેના દ્વારા મહત્તમ 77 સ્લોટ ભરી શકાશે. આ 77માંથી માત્ર 31 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે ઉપલબ્ધ છે. IPLની આગામી સીઝન માટે ખેલાડીઓની હરાજી 16 ડિસેમ્બર, 2025ના રોજ અબુ ધાબીના એતિહાદ એરેના ખાતે યોજાશે, જે IPL ઇતિહાસમાં એક મોટું આકર્ષણ બનશે.
આ હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સૌથી મજબૂત સ્થિતિમાં છે. KKR પાસે સૌથી મોટું પર્સ એટલે કે રૂ.64.3 કરોડ બાકી છે અને તેઓ વધુમાં વધુ 13 ખેલાડીઓ ખરીદી શકે છે, જેમાં 6 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. બીજા ક્રમે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) પાસે રૂ.43.4 કરોડનું પર્સ ઉપલબ્ધ છે, જેનાથી તે 9 ખેલાડીઓ ખરીદી શકશે. જ્યારે, મુંબઈ ઈન્ડિયન્સ (MI) પાસે માત્ર રૂ.2.75 કરોડનું સૌથી ઓછું પર્સ બચ્યું છે.
છૂટા કરાયેલા 71 ખેલાડીઓ અને પર્સમાં બાકી રહેલા રૂ.237 કરોડ સાથે, અબુ ધાબીમાં યોજાનારી હરાજી અત્યંત રોમાંચક બની રહેશે. કઈ ટીમો કયા ખેલાડીઓ પર મોટી બોલી લગાવે છે અને કયા યુવા ધુરંધરો કરોડપતિ બને છે, તેના પર ક્રિકેટ જગતની નજર ટકેલી છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
