<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

ઋષભ પંતે ટેસ્ટમાં વીરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો : કમબેક ટેસ્ટમાં પંતે 102 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો: પંત હવે ભારત માટે સૌથી વધુ 92 ટેસ્ટ સિક્સર ફટકારનાર બેટ્સમેન : રવીન્દ્ર જાડેજાએ ટેસ્ટમાં 4000 રન પૂરા કરતા તે હવે 4000 રન + 300 વિકેટ લેનાર વિશ્વના માત્ર ચોથા ખેલાડી

બીજા ક્રમે પૂર્વ આક્રમક ઓપનર વીરેન્દ્ર સેહવાગ જેમણે કારકિર્દીમાં કુલ ૯૧ સિક્સર ફટકારી હતી : પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 78 છગ્ગા સાથે ત્રીજા સ્થાને : ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર 69 સિક્સર સાથે આ યાદીમાં સામેલ

નવી દિલ્હી તા.૧૫ : સાઉથ આફ્રિકા સામેની કમબેક ટેસ્ટમાં ઋષભ પંતે બે છગ્ગા ફટકારી વીરેન્દ્ર સેહવાગનો (91 સિક્સર) રેકોર્ડ તોડ્યો અને ટેસ્ટમાં 92 સિક્સર સાથે ભારતના નવા 'સિક્સર કિંગ' બન્યા. આ ઇનિંગમાં તેમણે 102 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો હતો. ઉપરાંત, રવીન્દ્ર જાડેજાએ 4000 ટેસ્ટ રન પૂરા કર્યા, અને 300થી વધુ વિકેટ અને 4000રન બનાવનાર વિશ્વના માત્ર ચોથા ખેલાડી બન્યા છે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતે મેદાન પર શાનદાર વાપસી કરી છે. પંત હંમેશાથી પોતાના જોખમી અને આક્રમક અંદાજ માટે જાણીતા છે. કમબેક પછીની પ્રથમ ઇનિંગ્સમાં, પંત ભલે 27 રન બનાવીને આઉટ થયા, પરંતુ તેમણે પોતાની બેટિંગથી મેદાન પર હાહાકાર મચાવ્યો અને બે મોટા કારનામા કર્યા.

પંતે પોતાની ટૂંકી ઇનિંગ્સ દરમિયાન બે બોલને બાઉન્ડ્રી બહાર મોકલ્યા, જેમાં એક સિક્સર 102 મીટર લાંબી હતી. આ બે છગ્ગા સાથે તેમણે ટેસ્ટ ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો અને પૂર્વ દિગ્ગજ ઓપનર વીરેન્દ્ર સેહવાગને પાછળ છોડીને ટીમ ઇન્ડિયાના નવા સિક્સર કિંગ બની ગયા.

ઋષભ પંતે રચ્યો ઇતિહાસ 

ઋષભ પંતને ટેસ્ટ ફોર્મેટમાં પણ તેના આક્રમક વલણ માટે ખૂબ પસંદ કરવામાં આવે છે. આ ટેસ્ટ પહેલાં, ભારતીય ખેલાડીઓ પૈકી ટેસ્ટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ વીરેન્દ્ર સેહવાગના નામે હતો.

• સેહવાગે 104 ટેસ્ટ મેચમાં કુલ 91 સિક્સર ફટકારી હતી.

• દક્ષિણ આફ્રિકા સામેની આ ટેસ્ટ પહેલાં, પંતના નામે 90 છગ્ગા હતા.

• કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે ચાલી રહેલી આ ટેસ્ટમાં બે છગ્ગા ફટકારવાની સાથે જ તેમણે સેહવાગના 91 છગ્ગાના રેકોર્ડને તોડ્યો.

હવે ઋષભ પંત ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ 92 સિક્સર ફટકારનાર બેટ્સમેન બની ગયા છે. ઉલ્લેખનીય છે કે પંતે 102 મીટર લાંબો છગ્ગો ફટકારીને સેહવાગને રેકોર્ડ મામલે પછાડ્યા હતા.

રવીન્દ્ર જાડેજાએ પણ કર્યો મોટો કારનામો 

ઋષભ પંતની જેમ જ ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ પણ સાઉથ આફ્રિકા સામેની આ ટેસ્ટ મેચમાં એક મોટો ઇતિહાસ રચ્યો છે.

• જાડેજાએ આ મેચમાં ટેસ્ટ ક્રિકેટમાં 4000 રનનો આંકડો પાર કર્યો.

• તેઓ ટેસ્ટમાં 338 વિકેટ પણ ઝડપી ચૂક્યા છે.

• આ સાથે જ, રવીન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં માત્ર ચોથા એવા ખેલાડી બની ગયા છે, જેમણે 300થી વધુ વિકેટ અને 4000થી વધુ રન બનાવ્યા હોય.

ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ સિક્સર (Test Sixes India)

આ પ્રતિષ્ઠિત યાદીમાં હવે ઇયાન બોથમ, કપિલ દેવ, ડેનિયલ વિટ્ટોરીની સાથે જાડેજાનું નામ પણ સામેલ થઈ ગયું છે.

• ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ હાલમાં ઋષભ પંતના નામે છે, જેમણે અત્યાર સુધીમાં 92 છગ્ગા ફટકાર્યા છે.

• આ યાદીમાં બીજા ક્રમે પૂર્વ આક્રમક ઓપનર વીરેન્દ્ર સેહવાગ છે, જેમણે કારકિર્દીમાં કુલ ૯૧ સિક્સર ફટકારી હતી.

• પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 78 છગ્ગા સાથે ત્રીજા સ્થાને છે.

• જ્યારે ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર 69 સિક્સર સાથે આ યાદીમાં સામેલ છે.

(3:59 PM IST)