<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

ક્રિકેટ રસિયાઓ માટે મોટા સમાચાર: આઈપીએલ ૨૦૨૬નું ઓક્શન ૧૬ ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાશે

ઈતિહાસનો સૌથી મોટો ટ્રેડ: ચેન્નાઈ સુપર કિંગ્સમાં સંજુ સેમસન અને રાજસ્થાન રોયલ્સમાં રવીન્દ્ર જાડેજાની અદલાબદલી: મુંબઈ ઈન્ડિયન્સે શાર્દુલ ઠાકુર અને રધરફોર્ડને ખરીદ્યા, અર્જુન તેંડુલકર લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો: ખેલાડીઓને રિટેન કરવા માટેની છેલ્લી તારીખ ૧૫ નવેમ્બર જાહેર

નવી દિલ્હી/રાજકોટ: આઈપીએલ ૨૦૨૬ની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. ક્રિકેટ જગતમાંથી મળી રહેલા સત્તાવાર અહેવાલો મુજબ, આઈપીએલ ૨૦૨૬ માટેનું મિની ઓક્શન તારીખ ૧૬ ડિસેમ્બરના રોજ અબુ ધાબી ખાતે યોજાશે. સતત ત્રીજા વર્ષે આઈપીએલની હરાજી વિદેશમાં યોજાવા જઈ રહી છે; અગાઉ ૨૦૨૪માં દુબઈ અને ૨૦૨૫માં જેદ્દાહ ખાતે હરાજી યોજાઈ હતી.
ખેલાડીઓની અદલાબદલી (ટ્રેડિંગ)માં મોટા ઉલટફેર
આગામી સીઝન માટે સૌથી ચોંકાવનારા સમાચાર ખેલાડીઓના ટ્રેડિંગને લઈને આવ્યા છે. આઈપીએલના ઈતિહાસનો સૌથી મોટો અને હાઈ-પ્રોફાઈલ ટ્રેડ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે થયો છે. પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન અને વિકેટકીપર બેટર સંજુ સેમસનને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તેના બદલામાં રાજસ્થાન રોયલ્સે સ્ટાર ઓલરાઉન્ડર જોડી રવીન્દ્ર જાડેજા અને સેમ કરનને પોતાની ટીમમાં લીધા છે. આ સમાચારથી બંને ટીમોના ચાહકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.
મુંબઈ અને લખનૌ વચ્ચે પણ મહત્વના સોદા
બીજી તરફ, મુંબઈ ઈન્ડિયન્સે પણ પોતાની ટીમ મજબૂત કરવા કમર કસી છે. મુંબઈ ઈન્ડિયન્સે ભારતીય ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર અને શેરફેન રધરફોર્ડને રોકડ રકમ ચૂકવીને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. આ માટે લખનૌ સુપર જાયન્ટ્સને રૂપિયા ૨ કરોડ અને ગુજરાત ટાઇટન્સને રૂપિયા ૨.૬૦ કરોડ ચૂકવવામાં આવ્યા છે. અન્ય એક ટ્રેડમાં, સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને લખનૌ સુપર જાયન્ટ્સે તેની બેઝ પ્રાઈઝ રૂપિયા ૩૦ લાખમાં મુંબઈ પાસેથી ખરીદ્યો છે.
હરાજીનું ફોર્મેટ અને મહત્વની તારીખો
આઈપીએલ ૨૦૨૬ની આ હરાજી 'મિની ઓક્શન' હોવાથી તે માત્ર એક દિવસ ચાલશે. તમામ ફ્રેન્ચાઈઝીઓએ કયા ખેલાડીઓને જાળવી રાખવા (રિટેન કરવા) અને કયા ખેલાડીઓને મુક્ત કરવા (રિલીઝ કરવા), તે અંગેનો આખરી નિર્ણય ૧૫ નવેમ્બરના રોજ બપોરે ૩ વાગ્યા સુધીમાં લેવાનો રહેશે. ત્યારબાદ લીગ દ્વારા રજિસ્ટર્ડ ખેલાડીઓની યાદી ટીમોને મોકલવામાં આવશે, જેમાંથી શોર્ટલિસ્ટેડ ખેલાડીઓની બોલી અબુ ધાબીમાં લાગશે.
આઈપીએલ ૨૦૨૬ની સંભવિત તારીખો
મળતી માહિતી મુજબ, આઈપીએલ ૨૦૨૬ની સીઝન તારીખ ૧૫ માર્ચથી શરૂ થઈને ૩૧ મે સુધી ચાલે તેવી શક્યતા છે. ટ્રેડિંગ વિન્ડો હરાજીના એક અઠવાડિયા પહેલા બંધ થશે અને ત્યારબાદ હરાજી પૂરી થયા પછી ફરીથી ખુલશે, જે ટૂર્નામેન્ટ શરૂ થવાના એક મહિના પહેલા સુધી ચાલુ રહેશે
વિશેષ વિગત: આ અહેવાલમાં 'મિની ઓક્શન' અને 'મેગા ઓક્શન' વચ્ચેનો તફાવત વાચકોની સમજ માટે.... મેગા ઓક્શનમાં ટીમો લગભગ નવેસરથી બને છે, જ્યારે મિની ઓક્શનમાં ટીમો પોતાની ખૂટતી કડીઓ જોડવા માટે ખેલાડીઓ ખરીદે છે.


 

(9:23 PM IST)