તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
કોલકાતા નાઈટ રાઈડર્સે શેન વોટસનને સહાયક કોચ તરીકે નિયુક્ત કર્યો
CSK અને રાજસ્થાનને બનાવી ચૂક્યો છે ચેમ્પિયનઃવોટસન ૨૦૦૮થી ૨૦૨૦ સુધી IPLમાં રમ્યો હતો

નવી દિલ્હી : કોલકાતા નાઈટ રાઈડર્સે આગામી IPL સીઝન માટે ઓસ્ટ્રેલિયન દિગ્ગજ શેન વોટ્સનને સહાયક કોચ તરીકે નિયુક્ત કર્યો છે. વોટસન અભિષેક નાયર સાથે કામ કરશે, જેને ચંદ્રકાંત પંડિતની જગ્યાએ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. વોટસન પાસે IPLનો બહોળો અનુભવ છે, તે લાંબા સમયથી રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમી ચૂક્યો છે. વોટસન ૨૦૦૮માં ટાઇટલ જીતનાર રાજસ્થાન ટીમ અને ૨૦૧૮માં ટાઇટલ જીતનાર ચેન્નાઈ ટીમનો સભ્ય હતો. તેના નેતૃત્વ હેઠળ RCB ૨૦૧૬માં ફાઇનલમાં પહોંચ્યું હતું.
તેના યુગના સૌથી જાણીતા ઓલરાઉન્ડરોમાંના એક વોટસને ૫૯ ટેસ્ટ, ૧૯૦ ODI અને ૫૮ T20માં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કર્યું, ૧૦,૦૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા અને તમામ ફોર્મેટમાં ૨૮૦થી વધુ વિકેટ લીધી છે. વોટસન ઓસ્ટ્રેલિયાની ૨૦૦૭ અને ૨૦૧૫ ICC વર્લ્ડ કપ વિજેતા ટીમોનો અભિન્ન ભાગ હતો અને તેણે વિશ્વભરમાં અસંખ્ય શ્રેણી જીતવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી વોટસને T20 લીગમાં કોચિંગ અને માર્ગદર્શક ભૂમિકાઓ ભજવી છે. સહાયક કોચ તરીકેની તેની નિમણૂક અંગે ફ્રેન્ચાઇઝના સીઈઓ વેંકી મૈસૂરએ જણાવ્યું હતું કે, *શેન વોટસનનું KKR પરિવારમાં સ્વાગત કરતાં અમને ખૂબ આનંદ થાય છે. ઉચ્ચ સ્તરે ખેલાડી અને કોચ તરીકેનો તેનો અનુભવ અમારી ટીમ સંસ્કૃતિ અને તૈયારીમાં ખૂબ ફાળો આપશે. T20 ફોર્મેટની તેમની સમજ વિશ્વ કક્ષાની છે અને અમે મેદાન પર અને બહાર તેમના યોગદાનની રાહ જોઈ રહ્યા છીએ.*
વોટસને KKRમાં જોડાવા પર ખુશી વ્યક્ત કરતા કહ્યું, *કોલકાતા નાઈટ રાઇડર્સ જેવી પ્રતિષ્ઠિત ફ્રેન્ચાઇઝનો ભાગ બનવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. મેં હંમેશા KKR ચાહકોના જુસ્સા અને શ્રેષ્ઠતા પ્રત્યે ટીમની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી છે. હું કોલકાતાને બીજું ટાઇટલ અપાવવા માટે કોચિંગ ગ્રુપ અને ખેલાડીઓ સાથે નજીકથી કામ કરવા આતુર છું.*
વોટસન ૨૦૦૭થી ૨૦૧૫ સુધી રાજસ્થાન રોયલ્સ ટીમનો ભાગ હતો. ત્યારબાદ તે ૨૦૧૬ અને ૨૦૧૭માં RCB માટે રમ્યો. ૨૦૧૮મા તેને ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા કરારબદ્ધ કરવામાં આવ્યો અને તે ૨૦૨૧ સુધી ટીમ સાથે રહ્યો. આ દરમિયાન વોટસને ત્રણ ટીમો માટે ૩૮૭૪ રન બનાવ્યા, જેમાં ચાર સદી અને ૨૧ અડધી સદીનો સમાવેશ થાય છે. વોટસને બોલિંગમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને ૯૨ વિકેટ લીધી.
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
