<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

પાકિસ્‍તાનમાં બોમ્‍બ ધડાકાથી શ્રીલંકન ક્રિકેટ કેમ્‍પમાં ભયનો માહોલ, પણ બોર્ડે ક્રિકેટરોને પાછા બોલાવાની ના પાડી

શ્રીલંકન ક્રિકેટ બોર્ડ ખેલાડીઓને ચેતવણી આપી કે જો પરત ફરશો તો ગંભીર પરિણામો ભોગવવા પડશે

નવી દિલ્‍હી : ઈસ્‍લામાબાદમાં આત્‍મઘાતી હુમલા બાદ પાકિસ્‍તાનમાં સુરક્ષા વ્‍યવસ્‍થા પર સવાલ ઉભા થયા છે. જેના કારણે પ્રવાસી શ્રીલંકન ક્રિકેટ ટીમ ડરી ગઇ છે અને કેટલાક ખેલાડીઓ તાત્‍કાલીક દેશ છોડવા માંગે છે. જો કે, શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ખેલાડીઓ અને સ્‍ટાફને ચેતવણી આપી છે કે જો તેઓ બોર્ડના આદેશ વિરૂદ્ધ પાકિસ્‍તાન છોડશે તો તેમને ગંભીર પરિણામો ભોગવવા પડશે. ઈસ્‍લામાબાદમાં થયેલા કાર બોમ્‍બ ધમાકાને કારણે શ્રીલંકન ક્રિકેટ કેમ્‍પમાં ભય ફેલાયો હતો. અહેવાલ છે કે ધમાકા વખતે પાકિસ્‍તાની ટીમ પણ તે જ વિસ્‍તારમાં હાજર હતી. આ ઘટનાના પગલે, શ્રીલંકા ટીમના આઠ ખેલાડીઓ અને કેટલાક સપોર્ટ સ્‍ટાફે તરત જ સ્‍વદેશ પાછા ફરવાની ઇચ્‍છા દર્શાવી. ખેલાડીઓએ જણાવ્‍યું કે પાકિસ્‍તાનમાં સ્‍થિતિ બગડી રહી છે અને હવે અહીં રહેવું સલામત નથી.

શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ખેલાડીઓના પરત ફરવાના નિર્ણયને નકારી કાઢયો છે. બોર્ડના જણાવ્‍યા મુજબ, પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડ અને સ્‍થાનિક વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપવામાં આવી હોવાથી, કોઇએ પણ પાછા ફરવાની જરૂર નથી. શ્રીલંકન બોર્ડે તેના નિવેદનમાં સ્‍પષ્‍ટ ચેતવણી આપી છે કે, બોર્ડના આદેશનો ભંગ કરીને જો કોઇ ખેલાડી કે સ્‍ટાફ પાકિસ્‍તાન છોડશે, તો તેમની સામે ઔપચારિક સમીક્ષા કરીને શિસ્‍તભંગના પગલાં લેવામાં આવશે. એટલે કે, જે ખેલાડીઓ પાકિસ્‍તાનમાંથી ભાગશે, તેમને શ્રીલંકા પરત ફર્યા બાદ બોર્ડના કડક પગલાંનો સામનો કરવો પડી શકે છે. સૂત્રો અનુસાર, શ્રીલંકન ખેલાડીઓએ પાકિસ્‍તાનમાંથી બહાર નીકળવા અને પ્રવાસ અધવચ્‍ચે રદ કરવાની માંગ કરી. તેમણે અત્‍યાર સુધી માત્ર એક વનડે રમી છે. જયારે બે વનડે અને ઝિમ્‍બાબ્‍વે સાથેની ત્રિકોણીય ટી-ર૦ સિરિઝ બાકી છે. ખેલાડીઓની ચિંતાને પગલે, મોડી રાત્રે બોર્ડ અને સુરક્ષા એજન્‍સીઓ વચ્‍ચે લાંબી બેઠક યોજાઇ, જેના પરિણામે પીસીબી અધ્‍યક્ષ મોહસિન નકવીએ બાકીની બે વનડે મેચને એક દિવસ લંબાવીને હવે ૧૪ અને ૧૬ નવેમ્‍બરે યોજવાની જાહેરાત કરી. આ ઘટના પાકિસ્‍તાનની છબી માટે મોટો ફટકો છે. ભૂતકાળમાં વારંવારના આતંકી હુમલાઓને કારણે ઘણી ટીમે પ્રવાસ રદ કર્યા છે અને હવે શ્રીલંકન ટીમ પણ અસુરક્ષિત અનુભવી રહી હોવાથી પાકિસ્‍તાનની યજમાનીની ક્ષમતા પર ફરી ગંભીર સવાલો ઉભા થયા છે.

(4:20 PM IST)