<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

શ્રેયસ અય્‍યરની તબિયત સ્‍થિરઃ આઈસીયુમાંથી બહારઃ સ્‍પ્‍લીન ઇજાને કારણે બે મહિના ક્રિકેટથી દૂર રહેવું પડશે

સિડનીમાં રમાયેલી મેચ દરમિયાન કેચ પકડવાના -યાસમાં તેને ડાબી પાંસળીના ભાગે ગંભીર ઈજા થઈ હતી

નવી દિલ્‍હી, તા.૩૦: ઓસ્‍ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ભારતીય ક્રિકેટર શ્રેયસ અય્‍યરના સ્‍વાસ્‍થ્‍યને લઈને રાહતના સમાચાર છે. સિડનીની હોસ્‍પિટલમાં તેની સારવાર ચાલી રહી છે, જ્‍યાં તેને આઈસીયુમાંથી જનરલ વોર્ડમાં શિફ્‌ટ કરવામાં આવ્‍યો છે.

બીસીસીઆઈની મેડિકલ ટીમે પુષ્ટિ કરી છે કે તેની હાલત સ્‍થિર છે, પરંતુ સ્‍પ્‍લીન (બરોળ) માં થયેલી ઈજાને કારણે તેને સંપૂર્ણ સ્‍વસ્‍થ થવા માટે ઓછામાં ઓછા બે મહિના આરામની જરૂર પડશે.

ભારતીય ક્રિકેટ ટીમના સ્‍ટાર બેટ્‍સમેન શ્રેયસ અય્‍યરના ચાહકો માટે સારા સમાચાર છે. બીસીસીઆઈ દ્વારા જારી કરાયેલા તાજા મેડિકલ બુલેટિન મુજબ, શ્રેયસની તબિયત હવે ખતરાની બહાર છે અને તેજીથી સુધરી રહી છે.

ઓસ્‍ટ્રેલિયા સામે સિડનીમાં રમાયેલી ત્રીજી વનડે મેચ દરમિયાન ફિલ્‍ડિંગ કરતી વખતે એક ડાઈવ લગાવીને કેચ પકડવાના પ્રયાસમાં તેને ડાબી પાંસળીના ભાગે ગંભીર ઈજા થઈ હતી.

સ્‍કેન રિપોર્ટમાં જાણવા મળ્‍યું હતું કે આ ઈજાને કારણે તેની સ્‍પ્‍લીન (બરોળ) માં લેસરેશન (ચીરો) થયો હતો, જેનાથી આંતરિક રક્‍તષાાવ પણ થયો હતો. તેને તાત્‍કાલિક હોસ્‍પિટલમાં દાખલ કરી આઈસીયુમાં રાખવામાં આવ્‍યો હતો.

જોકે, ડોક્‍ટરોની મહેનત રંગ લાવી છે અને સારવારને સારો પ્રતિસાદ મળતા તેને હવે આઈસીયુમાંથી રૂમમાં ખસેડવામાં આવ્‍યો છે.

બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્‍યું કે, અય્‍યરને સંપૂર્ણ ફિટનેસ પાછી મેળવવા માટે ઓછામાં ઓછા બે મહિનાનો આરામ ફરજિયાત છે. આનો અર્થ એ છે કે તે દક્ષિણ આફ્રિકા સામેની આગામી મહત્‍વપૂર્ણ વનડે શ્રેણી ગુમાવશે. અય્‍યરે સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને સંદેશો આપતા કહ્યું કે, દરેક પસાર થતા દિવસ સાથે હું મજબૂત બની રહ્યો છું. તમારી શુભેચ્‍છાઓ બદલ આભાર.

(3:52 PM IST)