<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

૭ મહિનાના લાંબા સમય બાદ વિરાટ અને રોહિત મેદાનમાં: રવિવારે ભારત-ઓસ્‍ટ્રેલીયા વચ્‍ચે જંગ

બીજા વન-ડે ૨૩મીએ અને ત્રીજો મેચ ૨૫મીએ રમાશેઃભારતીય સમય અનુસાર સવારે ૯ વાગ્‍યાથી મેચ શરૂ થશે શુભમન ગિલની આકરી કસોટીઃ યુવા ક્રિકેટરોએ બેસ્‍ટ પરર્ફોમન્‍સ આપવુ પડશેઃ અર્શદીપનો ચાન્‍સ લાગશે?

નવી દિલ્‍હીઃ ભારત અને ઓસ્‍ટ્રેલિયા વચ્‍ચે વન-ડે શ્રેણી શરૂ થવામાં માત્ર બે દિવસ બાકી છે. ભારતીય ટીમ ત્રણ મેચની વન-ડે શ્રેણી અને પાંચ મેચની ટી૨૦ શ્રેણી માટે ઓસ્‍ટ્રેલિયા પહોંચી ગઈ છે. ઓસ્‍ટ્રેલિયા પહોંચ્‍યા પછી ભારતીય ટીમે પ્રેક્‍ટિસ સત્રો પણ શરૂ કરી દીધા છે. ઓસ્‍ટ્રેલિયા સામે ભારતની પહેલી મેચ ૧૯ ઓક્‍ટોબરે રમાશે.

ભારત અને ઓસ્‍ટ્રેલિયા વચ્‍ચે પહેલી મેચ ૧૯ ઓક્‍ટોબરે, બીજી ૨૩ ઓક્‍ટોબરે અને ત્રીજી ૨૫ ઓક્‍ટોબરે રમાશે. પહેલી મેચ પર્થમાં રમાશે, તેથી ટીમ ઈન્‍ડિયા ઓસ્‍ટ્રેલિયા પહોંચી ગઈ છે અને પર્થની પીચ પર પ્રેક્‍ટિસ શરૂ કરી દીધી છે. ત્રણેય વન-ડે ભારતીય સમય મુજબ સવારે ૯ વાગ્‍યાથી શરૂ થશે.

વન ડે  સિરિઝ માટે ભારતની ટીમ શુભમન ગિલ (કેપ્‍ટન), શ્રેયસ ઐયર (વાઇસ-કેપ્‍ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિગ્‍ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્‍મદ સિરાજ, અર્શદીપ સિહ, પ્રસિદ્ધ કૃષ્‍ણ અને યશસ્‍વી જયસ્‍વાલ.

મિશેલ માર્શ (કેપ્‍ટન), ઝેવિયર બાર્ટલેટ, એલેક્‍સ કેરી, કૂપર કોનોલી, બેન દ્વારશીસ, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્‍લિસ, મિશેલ ઓવેન, મેથ્‍યુ રેનશો, મેથ્‍યુ શોર્ટ, મિશેલ સ્‍ટાર્ક અને એડમ ઝમ્‍પા.

રોહિત શર્મા અને વિરાટ કોહલી સાત મહિના પછી ભારતીય ટીમ માટે રમતા જોવા મળશે. રોહિત અને કોહલી છેલ્‍લે ચેમ્‍પિયન્‍સ ટ્રોફીમાં ટીમ માટે રમ્‍યા હતા. ઓસ્‍ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં બધાની નજર આ બે ખેલાડીઓ પર રહેશે. રોહિત શર્માને પહેલાથી જ વનડે ટીમના કેપ્‍ટન પદ પરથી મુક્‍ત કરવામાં આવ્‍યો છે. આ શ્રેણીમાં તે કેપ્‍ટનને બદલે બેટ્‍સમેન તરીકે રમશે. સાત મહિના પછી બંને ખેલાડીઓ કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું બાકી છે.

વન-ડે સિરીઝ બાદ ટીમ ઇન્‍ડિયા પાંચ મેચોની ટી-૨૦ સિરીઝ તા.૨૯ ઓકટોબર, તા.૩૧ ઓકટોબર, તા.૨ નવેમ્‍બર, તા.૬ નવેમ્‍બર, તા.૮ નવેમ્‍બરના રમાશે. આ તમામ મેચો ભારતીય સમય અનુસાર બપોરે ૧:૪૫ વાગ્‍યાથી શરૂ થશે.

(11:28 AM IST)