News of Monday, 6th October 2025
શ્રેયસ ઐયરની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા-એ ઓસ્ટ્રેલિયા-એ ને બે વિકેટે હરાવી ૨-૧ થી વન-ડે સિરીઝ શ્રેણી જીતી
૩૧૭ રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય એ ટીમને ઓપનર અભિષેક શર્મા અને પ્રભસિમરન સિંહની જોડીએ મજબૂત શરૂઆત આપી હતીઃ પ્રભસિમરન સિંહની શાનદાર સદી

નવી દિલ્હીઃ શ્રેયસ ઐયર ની કપ્તાની હેઠળની ભારતીય એ ટીમે ઓસ્ટ્રેલિયા એ સામેની ત્રણ મેચની બિનસત્તાવાર વન-ડે શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચમાં ૨ વિકેટથી રોમાંચક વિજય મેળવીને શ્રેણી ૨-૧ થી જીતી લીધી છે. કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયા એ ટીમે પ્રથમ બેટિંગ કરતા ૩૧૬ રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં, ટીમ ઇન્ડિયાએ એ ૪૬ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કરી લીધું. ભારતની આ જીતમાં પ્રભસિમરન સિંહની શાનદાર સદી (૧૦૨ રન) નિર્ણાયક સાબિત થઈ, જ્યારે કેપ્ટન શ્રેયસ ઐયર અને રિયાન પરાગે પણ અડધી સદી ફટકારીને મહત્ત્વનું યોગદાન આપ્યું.
૩૧૭ રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય એ ટીમને ઓપનર અભિષેક શર્મા અને પ્રભસિમરન સિંહની જોડીએ મજબૂત શરૂઆત આપી. બંનેએ પ્રથમ વિકેટ માટે ૮૩ રનની ભાગીદારી નોંધાવી, જોકે અભિષેક ૨૫ બોલમાં ૨૨ રન બનાવીને આઉટ થયો. તિલક વર્મા માત્ર ૩ રન બનાવીને સસ્તામાં આઉટ થતાં ટીમ પર થોડું દબાણ આવ્યું. પરંતુ અહીંથી પ્રભસિમરન સિંહ ને કેપ્ટન શ્રેયસ ઐયરનો સાથ મળ્યો અને બંનેએ ત્રીજી વિકેટ માટે ૫૦ થી વધુ રનની ભાગીદારી કરીને ઇનિંગ્સને સંભાળી. પ્રભસિમરને આ મેચમાં ૬૮ બોલમાં ૧૦૨ રન ની વિસ્ફોટક ઇનિંગ રમી, જેણે જીતનો પાયો નાખ્યો.
ભારતીય એ ટીમે આ મેચમાં શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું. એક સમયે ઓસ્ટ્રેલિયન ટીમે માત્ર ૧૩૫ રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, કેપ્ટન જેક એડવર્ડ્સે ૮૯ રન અને લિયામ સ્કોટે ૭૩ રન ની ઇનિંગ્સ રમીને પોતાની ટીમને ૩૧૬ રનના મોટા સ્કોર સુધી પહોંચવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. ટીમ ઇન્ડિયા એ માટે યુવા પેસરો અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કર્યો. આ સિવાય આયુષ બદોનીએ પણ બે વિકેટ લઈને બોલિંગમાં સારો સહકાર આપ્યો હતો.
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
