<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

જીતથી ફાયદોઃ WTC રેન્‍કીંગમાં ભારત ત્રીજા સ્‍થાને

ઘરઆંગણે પ્રથમ વખત અશ્‍વિન વગર રમ્‍યો, ક્રિકેટમાં બદલાવ જરૂરીઃ જાડેજા

નવી દિલ્‍હીઃ શુભમન ગિલના નેતૃત્‍વમાં ભારતીય ક્રિકેટ ટીમે વેસ્‍ટ ઇન્‍ડિઝ સામેની બે ટેસ્‍ટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં જ ધમાકેદાર પ્રદર્શન કરીને ઇનિંગ્‍સ અને ૧૪૦ રનથી વિજય મેળવ્‍યો છે. અમદાવાદના  મોદી સ્‍ટેડિયમમાં માત્ર ત્રણ દિવસમાં પૂર્ણ થયેલી આ જોરદાર જીતથી ભારતે આઇસીસી વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશિપ (ડબલ્‍યુટીસી) ૨૦૨૫-૨૭ના પોઇન્‍ટ ટેબલમાં મહત્‍વપૂર્ણ લાભ મેળવ્‍યો છે.

ભારત હવે ૯ ટીમોના પોઇન્‍ટ ટેબલમાં ૫૫.૫૬ પોઇન્‍ટ પર્સન્‍ટેજ (પીસીટી) સાથે ત્રીજા સ્‍થાને પહોંચી ગયું છે, જે તેને બીજા ક્રમે રહેલા શ્રીલંકા (૬૬.૬૭ પીસીટી) ની વધુ નજીક લાવી દીધું છે. ઓસ્‍ટ્રેલિયા હાલમાં ટોચ પર છે.

રવિન્‍દ્ર જાડેજાએ લાંબા સમયના સ્‍પિન પાર્ટનર રવિચંદ્રન અશ્વિન (જેમણે ગયા ડિસેમ્‍બરમાં નિવૃત્તિ લીધી)ની ગેરહાજરી વિશે વાત કરી હતી. તેમણે કહ્યું: ભારતમાં હું પહેલી વાર એશ વગર ટેસ્‍ટ મેચ રમી રહ્યો હતો. ક્‍યારેક એવો વિચાર આવે કે 'એશ આવશે અને બોલિંગ કરશે', પણ પછી તરત જ સમજાય કે તે હવે નથી. જોકે, કુલદીપ યાદવ અને વોશિંગ્‍ટન સુંદર ઘણા સમયથી રમી રહ્યા છે, તેમને યુવા ખેલાડીઓ ન કહી શકાય. પરંતુ આ એક અલગ સંયોજન હતું.

સાથે જ, જાડેજાએ ભવિષ્‍ય તરફ ઈશારો કરતા કહ્યું કે સમય જતાં ક્રિકેટમાં બદલાવ અનિવાર્ય છે. ભવિષ્‍યમાં તમે પૂછશો કે જડ્ડુ કેમ નથી, અને કોઈ બીજો ખેલાડી ત્‍યાં હશે. આ અનિવાર્ય છે, પણ ટીમને યોગદાન આપીને મને ખૂબ સારું લાગે છે, તેમ તેમણે જણાવ્‍યું હતું.

બંને ટીમો વચ્‍ચે શ્રેણીની નિર્ણાયક બીજી ટેસ્‍ટ મેચ ૧૦ ઓક્‍ટોબરથી દિલ્‍હી ખાતે શરૂ થશે. ભારતીય ટીમ આ જીતની ગતિ જાળવી રાખીને ડબલ્‍યુટીસી પોઇન્‍ટ ટેબલમાં પોતાનું સ્‍થાન વધુ મજબૂત કરવા ઈચ્‍છશે.(૩૮.૧૩)

(10:23 AM IST)