<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

ભારતીય મહિલા ટીમની વર્લ્ડ કપમાં વિજયી શરૂઆત: શ્રીલંકાને ૫૯ રને હરાવ્યું, દીપ્તિ-અમનજોતનું શાનદાર પ્રદર્શન

યુવા ઓલરાઉન્ડર અમનજોત કૌર (૫૭ રન) અને અનુભવી દીપ્તિ શર્મા (૫૩ રન)ની શાનદાર અડધી સદીની મદદથી ૨૬૯ રનનો મજબૂત સ્કોર બનાવ્યો


ગુવાહાટી: ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં આજે મંગળવારે રમાયેલા આઇસીસી મહિલા વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૫ના ઉદ્ઘાટન મુકાબલામાં ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને ડકવર્થ-લુઇસ-સ્ટર્ન (ડીએલએસ) પદ્ધતિથી 59 રનથી હરાવીને ટૂર્નામેન્ટની વિજયી શરૂઆત કરી છે.
વરસાદથી પ્રભાવિત આ મેચ ૪૭–૪૭ ઓવરની કરી દેવામાં આવી હતી. ભારતે પહેલા બેટિંગ કરતા એક સમયે ૧૨૪/૬ની કફોડી સ્થિતિમાંથી બહાર આવીને યુવા ઓલરાઉન્ડર અમનજોત કૌર (૫૭ રન) અને અનુભવી દીપ્તિ શર્મા (૫૩ રન)ની શાનદાર અડધી સદીની મદદથી ૨૬૯ રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. બંનેએ સાતમી વિકેટ માટે ૧૦૩ રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી.
અમનજોતે પોતાની પ્રથમ વર્લ્ડ કપ મેચમાં દબાણ હેઠળ પ્રશંસનીય રમત બતાવી હતી.
જવાબમાં શ્રીલંકાની ટીમ ૨૭૧ રનના લક્ષ્યાંકનો પીછો કરતા નિયમિત અંતરાલે વિકેટો ગુમાવતી રહી અને ૪૫.૪ ઓવરમાં ૨૧૧ રન પર ઓલઆઉટ થઈ ગઈ.
ભારત તરફથી દીપ્તિ શર્માએ બોલિંગમાં પણ કમાલ કર્યો અને ૫૪ રન આપીને 3 વિકેટ ઝડપી, જ્યારે સ્નેહ રાણા અને શ્રી ચારણીએ બે-બે વિકેટ લીધી હતી.
તેના ઓલરાઉન્ડ પ્રદર્શન બદલ દીપ્તિ શર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી.
આ જીત સાથે ભારતે ઘરેલુ વર્લ્ડ કપમાં પોતાનું અભિયાન શાનદાર રીતે શરૂ કર્યું છે અને અન્ય ટીમોને મજબૂત સંદેશ આપ્યો છે.

 

(12:01 AM IST)