News of Saturday, 20th September 2025
એશિયા કપ 2025: અર્શદીપ સિંહે ઇતિહાસ રચ્યો, T20Iમાં 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો!: પંડ્યાએ પણ 96મી T20I વિકેટ લઈને ચહલની કરી બરાબરી
ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ, રાશિદ ખાન (53 મેચ) અને શ્રીલંકાના વાનિન્દુ હસરંગા (63 મેચ) પછી સૌથી ઓછી મેચોમાં 100 વિકેટ લેનાર વિશ્વનો ત્રીજો સૌથી ઝડપી બોલર બન્યો

અબુ ધાબી : એશિયા કપ 2025માં ભારતીય ક્રિકેટ ટીમે ધમાકેદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે. ગઈ કાલે ઓમાન સામેની અંતિમ લીગ મેચમાં ભારતે 21 રનથી જીત મેળવીને સુપર 4માં સ્થાન પાકું કર્યું. આ જીત ઉપરાંત, ભારતીય ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ માટે આ મેચ ખાસ બની રહી. તેણે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 વિકેટ પૂરી કરીને ઇતિહાસ રચ્યો અને આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય બોલર બન્યો.
સૌથી ઝડપી 100 T20I વિકેટ
ઓમાન સામેની મેચમાં અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરી હતી. તેણે તેની 64મી મેચમાં આ વિકેટની સદી પૂરી કરી. આ સાથે તે સૌથી ઓછી મેચોમાં 100 વિકેટ લેનાર વિશ્વનો ત્રીજો સૌથી ઝડપી બોલર અને ફૂલ મેમ્બર ટીમ પ્લેયર તરીકે ત્રીજો સૌથી ઝડપી બોલર બન્યો છે. આ રેકોર્ડ અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાન (53 મેચ) અને શ્રીલંકાના વાનિન્દુ હસરંગા (63 મેચ) પછી આવે છે. અર્શદીપે બહેરીનના રિઝવાન બટ્ટનો 66 મેચમાં 100 વિકેટનો રેકોર્ડ પણ તોડ્યો.
કેવી રીતે મળ્યો રેકોર્ડ?
ઓમાન સામેની મેચની 20મી ઓવરના પહેલા જ બોલે અર્શદીપે વિનાયક શુક્લાની વિકેટ લીધી. શુક્લાએ પુલ શોટ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ ઊંચો ગયો અને સીધો સબસ્ટિટ્યુટ ફિલ્ડર રિંકુ સિંહના હાથમાં ગયો. આ કેચ સાથે જ અર્શદીપે તેની 100મી T20 આંતરરાષ્ટ્રીય વિકેટ પૂરી કરી અને ભારત માટે આ માઈલસ્ટોન પર પહોંચનાર પ્રથમ બોલર બન્યો.
હાર્દિક પંડ્યાએ પણ રેકોર્ડ બનાવ્યો
અર્શદીપના આ રેકોર્ડની સાથે જ ભારતના સ્ટાઇલિશ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ એક સિદ્ધિ મેળવી. તેણે 96મી T20I વિકેટ લઈને યુઝવેન્દ્ર ચહલની બરાબરી કરી, અને હવે તે ભારત માટે સંયુક્ત રીતે બીજા સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.
ટીમ ઈન્ડિયાએ હવે સુપર 4માં પ્રવેશ કરી લીધો છે. ચાહકોને આશા છે કે આ રેકોર્ડ બ્રેકિંગ પ્રદર્શન સાથે ટીમ ઈન્ડિયા એશિયા કપનો ખિતાબ જીતશે.
(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
