તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th September 2025
આવતા રવિવારે ફરી ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો
જે ટીમ જીતે એ ફાઈનલમાં

નવી દિલ્હીઃ દુબઈમાં રમાયેલા એશિયા કપના ૧૦મા મુકાબલામાં પાકિસ્તાને યૂએઈને ૪૧ રને હરાવીને સુપર-૪માં સ્થાન મેળવી લીધું છે. આ જીત સાથે જ ૨૧ સપ્ટેમ્બરે થનારા ભારતપાકિસ્તાનના હાઈવોલ્ટેજ મુકાબલાની પણ ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે.
ટોસ જીતીને યૂએઈએ પહેલી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાનની શરૂઆત નિરાશાજનક રહી, પ્રથમ ઓવરમાં જ સેમ અયૂબ ખાલી હાથ પરત ફર્યા. ત્યારબાદ ફરહાન પણ સસ્તામાં આઉટ થયો. પરંતુ ફખર જમાનની ફિફટી અને અંતિમ ઓવરોમાં શાહીન શાહ આફ્રીદીના તોફાની ૧૪ બોલમાં ૨૯ રને ટીમને ૨૦ ઓવરમાં ૧૪૬ રન સુધી પહોંચાડ્યું હતું.
જવાબમાં યૂએઈની શરૂઆત સારી રહી. વસીમ અને શરાફુએ થોડા સારા શોટ્સ રમ્યા પણ ઝડપથી વિકેટ ગુમાવી દીધી. કેપ્ટન વસીમ અને જોહેબ પણ ખાસ કમાલ કરી શક્યા નહીં. પછી રાહુલ ચોપરાએ ૩૫ રન બનાવીને સંઘર્ષ કર્યો, પરંતુ તેમનું સાથ આપનાર ધ્રુવ પણ લાંબો સમય ટકી શક્યા નહીં. પરિણામે યૂએઈની આખી ટીમ ૧૦૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને તેમની એશિયા કપની સફર અહીં પૂરી થઈ.એક કલાક મોડી શરૂ થયેલા આ મેચમાં પાકિસ્તાને અંતે જીત હાંસલ કરી અને હવે ભારત સાથેનો હાઈવોલ્ટેજ મુકાબલો નક્કી કર્યો છે.
આ ગ્રૂપમાંથી ભારત અને પાકિસ્તાન સુપર-૪માં પહોંચ્યા છે, જ્યારે યૂએઈ અને ઓમાન બહાર થઈ ગયા છે. હવે તમામ ચાહકોની નજર ૨૧ સપ્ટેમ્બરના ભારતપાકિસ્તાન મુકાબલા પર છે.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
