<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

​કુલદીપ યાદવનો તરખાટ: પાકિસ્તાન ૬૫ રનમાં ૬ વિકેટ ગુમાવી સંકટમાં: ભારતીય બોલરોની 'સર્જિકલ સ્ટ્રાઈક': કુલદીપ યાદવની ફિરકીમાં ફસાયું પાકિસ્તાન, ૬૫ રનના સ્કોર પર અડધી ટીમ પેવેલિયન ભેગી

એશિયા કપ ૨૦૨૫ ના હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ભારતીય બોલરોએ પાકિસ્તાનની બેટિંગ લાઇનઅપને ધ્વસ્ત કરી દીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમે માત્ર ૬૫ રનમાં જ પોતાની ૬ મહત્વની વિકેટો ગુમાવી દીધી છે. ખાસ કરીને, ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવે સતત બે બોલમાં બે વિકેટ ઝડપીને પાકિસ્તાનની કમર તોડી નાખી હતી. હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહે શરૂઆતમાં ઝટકા આપ્યા બાદ સ્પિનર્સે મધ્યમ ઓવરોમાં પોતાનો જાદુ ચલાવ્યો હતો.

​દુબઈ: એશિયા કપ ૨૦૨૫ માં ભારત સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો પાકિસ્તાનનો નિર્ણય અત્યંત ખોટો સાબિત થતો જોવા મળી રહ્યો છે. ભારતીય બોલરોના શિસ્તબદ્ધ અને આક્રમક પ્રદર્શન સામે પાકિસ્તાનના બેટ્સમેનોએ ઘૂંટણિયે પડી ગયા છે અને છેલ્લા સમાચાર મળ્યા ત્યાં સુધી પાકિસ્તાને માત્ર ૧૩ ઓવરમાં ૬૫ રન બનાવીને ૬ વિકેટ ગુમાવી દીધી હતી.

​કુલદીપ યાદવનો કહેર:

આજની મેચના હીરો ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવ રહ્યા. તેમણે પોતાની એક જ ઓવરમાં સતત બે બોલે વિકેટ લઈને પાકિસ્તાનને બેકફૂટ પર ધકેલી દીધું હતું. કુલદીપે પહેલા હસન નવાઝને પેવેલિયનનો રસ્તો બતાવ્યો અને તેના પછીના જ બોલ પર મોહમ્મદ નવાઝને એલ બી ડબલ્યુ આઉટ કરીને ગોલ્ડન ડક પર પેવેલિયન પરત મોકલ્યો હતો. આ સાથે જ તેઓ હેટ્રિક પર આવી ગયા હતા, જોકે તે ચૂકી ગયા હતા. કુલદીપના આ તરખાટ પહેલા પાકિસ્તાની બેટ્સમેનો સંપૂર્ણપણે લાચાર દેખાયા હતા.

​ઝડપી બોલરોએ કરી શાનદાર શરૂઆત:

આ પહેલા, ભારતીય ઝડપી બોલરો હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહે ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. હાર્દિકે સૈમ અય્યુબને અને બુમરાહે મોહમ્મદ હારિસને સસ્તામાં આઉટ કરીને પાકિસ્તાનને શરૂઆતમાં જ મોટા ઝટકા આપ્યા હતા. ત્યારબાદ અક્ષર પટેલે પણ મહત્વની વિકેટો લઈને દબાણ જાળવી રાખ્યું હતું.

​ભારતીય બોલરોની આ 'સર્જિકલ સ્ટ્રાઈક' જેવી બોલિંગને કારણે પાકિસ્તાનની ટીમ મોટા સ્કોર સુધી પહોંચે તેવી શક્યતાઓ લગભગ સમાપ્ત થઈ ગઈ છે. ભારતીય ટીમ આ મેચ પર પોતાની પકડ સંપૂર્ણપણે મજબૂત કરી ચૂકી છે.

 

(9:21 PM IST)