<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

એશિયા કપ હોકી ૨૦૨૫: ભારતે ફાઇનલમાં ડિફેન્‍ડિંગ ચેમ્‍પિયન કોરિયાને હરાવી ખિતાબ જીત્‍યોઃ વર્લ્‍ડ કપમાં એન્‍ટ્રી

ભારતીય ટીમે ૪-૧થી પ્રચંડ વિજય મેળવ્‍યોઃ સુપર-૪ રાઉન્‍ડમાં ચીનને ૭-૦થી કચડીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો

નવી દિલ્‍હીઃ ભારતીય હોકી ટીમે  બિહારના રાજગીર સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ ખાતે યોજાયેલી એશિયા કપ હોકીની ફાઇનલમાં ડિફેન્‍ડિંગ ચેમ્‍પિયન કોરિયાને ૪-૧થી હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું છે. આ ભવ્‍ય જીત સાથે ભારતીય ટીમે આગામી વર્ષે બેલ્‍જિયમ અને નેધરલેન્‍ડ્‍સ દ્વારા સંયુક્‍ત રીતે યોજાનાર FIH વર્લ્‍ડ કપ માટે સીધો પ્રવેશ મેળવી લીધો છે.

ટૂર્નામેન્‍ટ દરમિયાન ભારતીય ટીમનું પ્રદર્શન ખૂબ જ શાનદાર અને સુસંગત રહ્યું હતું. ફાઇનલમાં પ્રવેશ કરતા પહેલા, ભારતે સુપર ૪ના અંતિમ મુકાબલામાં ચીન સામે ૭-૦થી એકતરફી વિજય મેળવ્‍યો હતો. સુપર ૪ સ્‍ટેન્‍ડિંગ્‍સમાં ભારત ૭ પોઈન્‍ટ સાથે ટોચના સ્‍થાને રહ્યું હતું, જયારે ડિફેન્‍ડિંગ ચેમ્‍પિયન કોરિયા ૪ પોઈન્‍ટ સાથે બીજા ક્રમે રહ્યું હતું. કોરિયાએ ફાઇનલમાં સ્‍થાન મેળવવા માટે અન્‍ય સુપર ૪ મેચમાં મલેશિયાને ૪-૩થી સખત મુકાબલા બાદ હરાવ્‍યું હતું.

ટુર્નામેન્‍ટના અન્‍ય નિર્ણાયક મેચોમાં, ત્રીજા સ્‍થાન માટેના પ્‍લે-ઓફ મુકાબલામાં મલેશિયાએ ચીનને ૪-૩થી હરાવીને ત્રીજું સ્‍થાન મેળવ્‍યું હતું, જયારે જાપાને બાંગ્‍લાદેશને ૬-૧થી હરાવીને પાંચમું સ્‍થાન હાંસલ કર્યું હતું. ભારતીય ટીમની આ જીતને ભારતીય હોકી માટે એક મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે.

(1:07 PM IST)