News of Tuesday, 2nd September 2025
એશિયા કપ ૨૦૨૫ પહેલા પાકિસ્તાની બેટ્સમેન આસિફ અલીની નિવૃત્તિ, 'દરરોજ ૧૫૦ છગ્ગા'નો દાવો કરનાર ખેલાડીની કારકિર્દીનો અંત!
૨૦૨૨ના એશિયા કપમાં ભારત સામેની તેની ૧૬ રનની ઝડપી ઇનિંગે પણ પાકિસ્તાનને જીત અપાવી હતી. જોકે, આ પ્રદર્શનમાં સાતત્ય જળવાયું નહીં

નવી દિલ્હી ૨ સપ્ટેમ્બર, ૨૦૨૫: એશિયા કપ ૨૦૨૫ શરૂ થાય તે પહેલાં જ પાકિસ્તાન ક્રિકેટ ટીમમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનના વિસ્ફોટક બેટ્સમેન આસિફ અલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ૩૩ વર્ષીય આસિફ છેલ્લા બે વર્ષથી ટીમની બહાર હતો અને વાપસીની આશા ગુમાવી દેતા તેણે આ મોટો નિર્ણય લીધો.
કારકિર્દીની શરૂઆત અને '૧૫૦ છગ્ગા'નો દાવો
આસિફ અલીએ ૨૦૧૮માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને પાકિસ્તાન માટે કુલ ૭૯ મેચ રમી. તે એક પાવર હિટર તરીકે ટીમમાં જાણીતો હતો, ખાસ કરીને જ્યારે પાકિસ્તાનને મિડલ ઓર્ડરમાં એક મજબૂત ફિનિશરની જરૂર હતી. ૨૦૨૨ના એશિયા કપ પહેલાં, તેણે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે તે પ્રેક્ટિસમાં 'દરરોજ ૧૫૦ છગ્ગા' મારે છે, જેનાથી ચાહકોની અપેક્ષાઓ વધી ગઈ હતી. જોકે, આ પછી તેનું પ્રદર્શન અપેક્ષા મુજબનું રહ્યું નહિ.
યાદગાર ક્ષણો અને નિષ્ફળતા
આસિફની કારકિર્દીમાં કેટલીક યાદગાર ક્ષણો પણ રહી છે. ૨૦૨૧ના T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે તેણે છેલ્લી ઓવરોમાં સતત ચાર છગ્ગા ફટકારીને પાકિસ્તાનને સેમિફાઇનલમાં પહોંચાડ્યું હતું. આ ઉપરાંત, ૨૦૨૨ના એશિયા કપમાં ભારત સામેની તેની ૧૬ રનની ઝડપી ઇનિંગે પણ પાકિસ્તાનને જીત અપાવી હતી. જોકે, આ પ્રદર્શનમાં સાતત્ય જળવાયું નહીં અને ૨૦૨૨ના T20 વર્લ્ડ કપમાં તે ભારતીય બોલરો સામે નિષ્ફળ રહ્યો. આ પછી તેને મુખ્ય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો.
નિવૃત્તિની જાહેરાત
સોમવારે, આસિફે તેના સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું. તેણે લખ્યું, "પાકિસ્તાનની જર્સી પહેરવી મારા જીવનનો સૌથી મોટો સન્માન રહ્યો છે. મારા સાથી ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને ચાહકોનો હું આભાર માનું છું." તેણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે ફ્રેન્ચાઇઝી અને સ્થાનિક લીગમાં રમવાનું ચાલુ રાખશે.
આસિફે ૨૧ ODI મેચોમાં ૩૮૨ રન અને ૫૮ T20I મેચોમાં ૫૭૭ રન બનાવ્યા છે.
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
