<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

રાહુલ દ્રવિડનું રાજસ્થાન રોયલ્સના મુખ્ય કોચ પદેથી અચાનક રાજીનામું, 'બ્લેન્ક ચેક'નો કર્યો ઇનકાર!

૧૪માંથી ૧૦ મેચ હારી અને પોઈન્ટ ટેબલમાં તળિયેથી બીજા સ્થાને રહી: તેમના રાજીનામાનો નિર્ણય અચાનક અને આશ્ચર્યજનક

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમને T20 વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર દિગ્ગજ કોચ રાહુલ દ્રવિડે IPLની રાજસ્થાન રોયલ્સ ટીમના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપી દીધું છે. આ નિર્ણયથી ક્રિકેટ જગતમાં આશ્ચર્ય ફેલાયું છે. ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી અને જણાવ્યું કે દ્રવિડને મોટી ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે તે સ્વીકારી ન હતી.
રાજસ્થાન રોયલ્સે પોતાની પોસ્ટમાં લખ્યું, "રાહુલ દ્રવિડ IPL ૨૦૨૬ પહેલા ફ્રેન્ચાઇઝ સાથેનો પોતાનો કાર્યકાળ સમાપ્ત કરશે. તેમના નેતૃત્વએ ખેલાડીઓની એક પેઢીને પ્રભાવિત કરી છે અને ફ્રેન્ચાઇઝની સંસ્કૃતિ પર એક અમીટ છાપ છોડી છે. ફ્રેન્ચાઇઝની માળખાકીય સમીક્ષાના ભાગરૂપે રાહુલને મોટી ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે તે સ્વીકારી ન હતી. અમે તેમની નોંધપાત્ર સેવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ."
 ૨૦૨૪માં T20 વર્લ્ડ કપ જીત્યા બાદ દ્રવિડનો ભારતીય ટીમના કોચ તરીકેનો કાર્યકાળ પૂરો થયો હતો. ત્યાર બાદ ઘણી ફ્રેન્ચાઇઝીઓએ તેમને કોચ બનાવવા માટે ખાલી ચેક સુધીની ઓફર કરી હતી, પરંતુ દ્રવિડે પોતાની જૂની ટીમ રાજસ્થાન રોયલ્સ સાથે ફરીથી જોડાવાનું પસંદ કર્યું.
દ્રવિડ ભલે પોતાની IPL કારકિર્દીની શરૂઆત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સાથે કરી હોય, પરંતુ રાજસ્થાન રોયલ્સ સાથે તેમનો સંબંધ ખાસ રહ્યો છે. ૨૦૧૧માં જ્યારે RCBએ દ્રવિડ પર બોલી ન લગાવી, ત્યારે રાજસ્થાન રોયલ્સે તેમના પર વિશ્વાસ મૂક્યો. દ્રવિડે ૨૦૧૩માં ટીમને પ્લેઓફમાં પહોંચાડી હતી અને સંજુ સેમસન જેવા યુવા ખેલાડીઓને તૈયાર કરવાનો શ્રેય પણ તેમને જાય છે.
 દ્રવિડના કોચિંગ હેઠળ રાજસ્થાન રોયલ્સનું IPL ૨૦૨૫માં પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું. ટીમે ૧૪માંથી ૧૦ મેચ હારી અને પોઈન્ટ ટેબલમાં તળિયેથી બીજા સ્થાને રહી. તેમ છતાં, તેમના રાજીનામાનો નિર્ણય અચાનક અને આશ્ચર્યજનક માનવામાં આવી રહ્યો છે.

(10:35 PM IST)