તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th August 2025
એમ.એસ. ધોની ફરી મેન્ટર તરીકે ટીમ ઈન્ડિયામાં જોડાશે? BCCIએ ૨૦૨૬ના T20 વર્લ્ડ કપ માટે ઓફર કરી હોવાના અહેવાલો!
ધોની ટીમ સાથે જોડાશે તો યુવા ખેલાડીઓને તેનો અનુભવ અને માર્ગદર્શન મળશે, જે ૨૦૨૬ના T20 વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં મદદ કરી શકે છે

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટના ચાહકો માટે એક મોટા અને રોમાંચક સમાચાર સામે આવ્યા છે. એવા અહેવાલો છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ભારતના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને આગામી ૨૦૨૬ના T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના મેન્ટર બનવાની ઓફર કરી છે. ૨૦૨૪ના T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા હવે આ ટાઇટલને જાળવી રાખવા માટે કોઈ કસર છોડવા માંગતી નથી, અને તેના માટે ધોનીને ટીમ સાથે જોડવાનું વિચારી રહી છે.
ધોનીનો જાદુ ફરી જોવા મળશે?
મહેન્દ્ર સિંહ ધોની, જેને ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સૌથી સફળ કેપ્ટન માનવામાં આવે છે, તેના નેતૃત્વ હેઠળ ભારતે ૨૦૦૭નો પ્રથમ T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ૨૦૨૧ના T20 વર્લ્ડ કપમાં પણ તે મેન્ટર તરીકે ટીમ સાથે જોડાયો હતો. BCCIના સૂત્રોને ટાંકીને 'ક્રિકબ્લોગર' નામની વેબસાઈટના અહેવાલમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ધોનીની રમતની ઊંડી સમજ અને ખેલાડીઓની પ્રતિભાને ઓળખવાની તેની ક્ષમતાને કારણે તેને આ ભૂમિકા માટે યોગ્ય માનવામાં આવે છે. ૨૦૨૦માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ધોની માત્ર આઈપીએલ રમી રહ્યો છે.
ગંભીર સાથેના સંબંધો પડકારરૂપ?
હાલમાં, ગૌતમ ગંભીર ભારતીય ટીમના મુખ્ય કોચ છે. ધોની અને ગંભીરના સંબંધો ઘણા સમયથી ચર્ચાનો વિષય રહ્યા છે. ગંભીર અવારનવાર ધોનીના નિર્ણય અને કેપ્ટનશીપ સામે નિવેદનો આપતા જોવા મળ્યા છે. આ પરિસ્થિતિમાં, જો BCCIએ ખરેખર ધોનીને ઓફર કરી હશે, તો શું તે આ ઓફર સ્વીકારશે? તે જોવું રસપ્રદ રહેશે.
જોકે, ચાહકોમાં એક આશા જાગી છે કે જો ધોની ટીમ સાથે જોડાશે તો યુવા ખેલાડીઓને તેનો અનુભવ અને માર્ગદર્શન મળશે, જે ૨૦૨૬ના T20 વર્લ્ડ કપમાં ભારતને ફરી એકવાર ચેમ્પિયન બનાવવામાં મદદ કરી શકે છે. હવે સૌની નજર BCCIની સત્તાવાર જાહેરાત પર ટકેલી છે.
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
