તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th August 2025
ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ આવતા ક્રિકેટરોને કરોડોનો ફટકો
વિરાટને ૨૦૦ કરોડ, રોહિત ૫૦ થી ૬૦ કરોડની આવક ગુમાવવી પડશે, ધોની, સુરેશ રૈના પણ નાણા કમાતા હતા

નવી દિલ્હીઃ દિગ્ગજ ક્રિકેટરો વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા સહિત અનેક ખેલાડીઓને મોટો આર્થિક ફટકો પડ્યો છે. વાસ્તવમાં ઓનલાઈન મની ગેમિંગ પર પ્રતિબંધ બિલ કાયદો બની ગયો છે, જેના કારણે ટીમ ઈન્ડિયાની સ્પોન્સર્સ ડ્રીમ-૧૧ પણ ઘરભેગી થઈ ગઈ છે. રિપોર્ટ મુજબ વિવિધ ઓનલાઇન સટ્ટાબાજી એપ્સના આશરે ૨૨ કરોડ ભારતીય યુઝર્સ છે, જે પૈકી ૧૧ કરોડ નિયમિત રીતે તેનો ઉપયોગ કરે છે. એક અંદાજ મુજબ, દર વર્ષે ૪૫ કરોડ લોકો આ ઓનલાઇન મની ગેમ્સના ચક્કરમાં ફસાઈને ૨૦ હજાર કરોડથી વધારે રકમ ગુમાવે છે.
વિરાટ કોહલી , રોહિત શર્મા, હાર્દિક પંડ્યા સહિત તમામ ક્રિકેટરો અગાઉ આવી ગેમિંગનો પ્રચાર કરતા જોવા મળતા હતા. એટલું જ નહીં એમ.એસ.ધોની અને સુરેશ રૈના પણ તેનો પ્રચાર કરતા હતા.
તેઓ આ પ્લેટફોર્મ દ્વારા કરોડો રૂપિયા કમાતા હતા. જોકે હવે ઓનલાઈન મની ગેમિંગનો કડક કાયદો લાગુ થયા બાદ તમામ ખેલાડીઓની આવી ગેમિંગ કંપનીઓ સાથેની ડીલ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. રિપોર્ટ મુજબ રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ , હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા જેવા ખેલાડીઓ ડ્રિમ-૧૧નું પ્રમોશન કરતા જોવા મળતા હતા. જ્યારે મોહમ્મદ સિરાજ , શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ માય-૧૧ સર્કલ એપનો પ્રચાર કરતા જોવા મળતા હતા. જ્યારે વિરાટ કોહલી એમપીએલ અને ધોની વીન્ઝો એપ સાથે જોડાયેલા હતા.
ક્રિકબઝની રિપોર્ટ મુજબ, વિરાટ કોહલીને એમપીએલનો પ્રચાર કરવા માટે વાર્ષિક ૧૭૫-૨૦૦ કરોડ રૂપિયા મળતા હતા, જોકે હવે આ પ્લેટફોર્મ બંધ થવાથી હવે કોહલીને વાર્ષિક ૨૦૦ કરોડ રૂપિયાની આવક ગુમાવી દીધી છે. રોહિત શર્મા ડ્રીમ-૧૧થી વાર્ષિક ૫૦-૬૦ કરોડ રૂપિયાની કમાણી કરતો હતો, હવે તેણે કાયદાના કારણે આ વાર્ષિક આવક ગુમાવી દીધી છે. રોહિતની આ વર્ષની ડીલ અધવચ્ચે જ બંધ થતા તેને ૬થી ૭ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. આ જ રીતે ટીમ ઈન્ડિયાના મોટાભાગના ખેલાડીઓ ઓનલાઈન મની ગેમિંગનો પ્રચાર કરીને નાણાં કમાતા હતા, આવી સ્થિતિમાં કાયદાના કારણે હવે તમામની આ આવક બંધ થઈ ગઈ છે.
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
