તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 14th August 2025
લિએન્ડર પેસના પિતા વેસ પેસનું ૮૦ વર્ષે અવસાન: ૧૯૭૨ના ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય હોકી ટીમના સભ્ય હતા વેસ પેશ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વેસ પેસના અવસાન પર વ્યક્ત કર્યો શોક

નવી દિલ્હી: મ્યુનિક ઓલિમ્પિક્સ (૧૯૭૨)માં હોકીમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય ટીમના સભ્ય રહેલા ડૉ. વેસ પેસનું કોલકાતામાં અવસાન થયું. ૮૦ વર્ષીય ભૂતપૂર્વ હોકી સ્ટાર પાર્કિન્સનથી પીડાતા હતા.ડૉ. વેસ પેસ ભારતના દિગ્ગજ ટેનિસ સ્ટાર લિએન્ડર પેસના પિતા હતા. તેમણે રમતગમત તેમજ શિક્ષણ ક્ષેત્રે મોટી સફળતા મેળવી હતી.પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વેસ પેસના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમણે લખ્યું છે કે, "૧૯૭૨ના ઓલિમ્પિક રમતોમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ટીમના સભ્ય ડૉ. વેસ પેસના અવસાનથી હું દુઃખી છું. હોકી અને સ્પોર્ટ્સ મેડિસિનમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે. લિએન્ડર પેસ, તેમના મિત્રો અને કોલકાતા ક્લબો પ્રત્યે મારી સંવેદના." હોકી ઈન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કીએ લખ્યું, "હોકી ઈન્ડિયામાં અમારા માટે દુઃખદ દિવસ છે. ડૉ. પેસનું નિધન હોકીમાં એક મહાન યુગનો અંત દર્શાવે છે. મ્યુનિકમાં જીતેલો ઓલિમ્પિક મેડલ તેમની હિંમત અને દૃઢ નિશ્ચયનો પુરાવો છે. મને ઘણી વખત તેમને મળવાનું સૌભાગ્ય મળ્યું અને રમતગમત પ્રત્યેના તેમના જુસ્સાથી હંમેશા પ્રેરિત રહ્યો છું. તેઓ દેશમાં રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના પ્રબળ સમર્થક હતા. હોકી ઈન્ડિયા વતી, અમે તેમની પત્ની જેનિફર, પુત્ર લિએન્ડર અને તેમના સમગ્ર પરિવાર પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ."ડૉ. વેસ પેસનો જન્મ 30 એપ્રિલ 1945ના રોજ ગોવામાં થયો હતો. તેમણે રમતગમત તેમજ શિક્ષણમાં મોટી સફળતા મેળવી. પેસ ડૉક્ટર પણ હતા અને કલકત્તા ક્રિકેટ અને ફૂટબોલ ક્લબના પ્રમુખ પણ હતા. 1972માં ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ જીતવા ઉપરાંત, તેઓ 1971માં હોકી વર્લ્ડ કપમાં બ્રોન્ઝ જીતનાર ભારતીય ટીમના સભ્ય પણ હતા.હોકી ઉપરાંત, તેઓ ડિવિઝનલ ક્રિકેટ, ફૂટબોલ અને રગ્બી પણ રમ્યા હતા. તેઓ ૧૯૯૬ થી ૨૦૦૨ સુધી ભારતીય રગ્બી ફૂટબોલ યુનિયનના પ્રમુખ હતા.લીએન્ડર પેસે ઘણીવાર ટેનિસમાં પોતાની સફળતાનો શ્રેય તેમના પિતા પાસેથી મળેલી પ્રેરણાને આપ્યો છે.
(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
