તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th August 2025
સુપ્રીમ કોર્ટે સાગર ધનકર હત્યા કેસમાં કુસ્તીબાજ સુશીલ કુમારના જામીન કર્યા રદ

નવી દિલ્હી: ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ સુશીલ કુમારને દેશની સર્વોચ્ચ અદાલત તરફથી ઝટકો લાગ્યો છે. જુનિયર કુસ્તીબાજ સાગર ધનકરની હત્યા કેસમાં સુશીલ કુમારના જામીન સુપ્રીમ કોર્ટે રદ કર્યા છે.સુપ્રીમ કોર્ટે જામીન રદ કરતા સુશીલ કુમારને એક અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. કુસ્તીબાજ સાગર ધનકરની હત્યા માટે સુશીલ કુમાર પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 4 વર્ષથી જેલમાં રહેલા સુશીલને દિલ્હી હાઈકોર્ટે જામીન આપ્યા હતા. હાઈકોર્ટે સુશીલ કુમારને 50,000 રૂપિયાના બોન્ડ અને એટલી જ રકમના જામીન પર મુક્ત કર્યો હતો.દિલ્હી હાઈકોર્ટે હત્યા કેસમાં સુશીલ કુમારને જામીન આપ્યા બાદ, મૃતક સાગર ધનકરના પિતાએ સુપ્રીમ કોર્ટમાં જામીન રદ કરવા માટે અપીલ કરી હતી. આ પછી સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધો.સાગર ધનકરના પિતાનો દાવો છે કે આરોપી સુશીલ કુમાર દ્વારા પહેલા સાક્ષીઓ પર દબાણ કરવામાં આવ્યું હતું અને હવે ફરીથી તેમના પરિવાર પર સમાધાન માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.મૃતક સાગર ધનખરના પિતા અશોક ધનખરના વકીલ જોશીની તુલીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટ દ્વારા સુશીલને આપવામાં આવેલા જામીન રદ કર્યા છે. તેમને આત્મસમર્પણ માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.જોશીની તુલીએ કહ્યું કે જ્યારે પણ સુશીલ કુમાર વચગાળાના જામીન પર બહાર આવ્યા છે, ત્યારે તેમણે તેનો દુરુપયોગ કર્યો છે. તેમણે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો છે. સુશીલ કુમાર વિરુદ્ધ અમારી પાસે પૂરતા પુરાવા છે, જેના આધારે તેમના જામીન રદ કરવામાં આવ્યા છે.
(6:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
