તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 31st July 2025
ICC રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાનો દબદબોઃ ત્રણેય ફોર્મેટમાં પાંચ ખેલાડીઓ નંબર-૧ ઉપરઃ વન-ડે, ટી-૨૦માં ટોચના સ્થાને
અભિષેક શર્મા ટી૨૦માં પ્રથમ સ્થાને, બુમરાહ ટેસ્ટમાં નં.૧ બોલર, ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કીંગમાં જાડેજા ટોચના સ્થાને તો વન-ડેમાં શુભમન ગિલ પ્રથમ નંબરે

નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલ ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. ત્યારે પાંચમી અને અંતિમ ટેસ્ટ પહેલા, આઈસીસીએ લેટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું છે, જેમાં ટી૨૦ રેન્કિંગ, ટેસ્ટ કરતા વધુ લોકપ્રિયતા મેળવી રહ્યું છે. જેમાં યુવા બેટર અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો છે. તે પહેલીવાર આઈસીસી ટી૨૦ બેટ્સમેન રેન્કિંગમાં નંબર-૧ પર પહોંચ્યો છે. તેણે ટ્રેવિસ હેડને હરાવીને આ સ્થાન મેળવ્યું છે. શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા સહિત ૫ ભારતીય ખેલાડીઓ ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વન-ડે અને ટી૨૦) ની વિવિધ કેટેગરીમાં નંબર ૧ પર છે.
મેન્સ ટીમમાં ટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા ટીમ ૧૨૪ પોઈન્ટ સાથે નંબર ૧ પર છે. ટીમ ઈન્ડિયા ૧૦૫ પોઈન્ટ સાથે ટેસ્ટ રેન્કિંગમાં ચોથા નંબર પર છે. તેમજ ટીમ ઈન્ડિયા વન-ડે અને ટી૨૦માં ટોચ પર છે. ભારત વન-ડે માં ૧૨૪ પોઈન્ટ અને ટી૨૦માં ૨૭૧ પોઈન્ટ સાથે વિશ્વની નંબર-૧ ટીમ છે.
જો રૂટ આઈસીસી મેન્સ ટેસ્ટ બેટિગ રેન્કિંગમાં નંબર-૧ સ્થાન પર છે, પરંતુ ભારતીય બેટ્સમેન અન્ય બંને ફોર્મેટમાં ટોચ પર છે. શુભમન ગિલ ૭૮૪ રેટિગ પોઈન્ટ સાથે વન-ડે માં પ્રથમ સ્થાન ધરાવે છે. અભિષેક શર્માએ ૩૦ જુલાઈના રોજ ટી૨૦ રેન્કિંગમાં નંબર-૧ બેટરનું સ્થાન મેળવ્યું છે. તેણે ૧ વર્ષ સુધી આ સ્થાન પર રહેલા ટ્રેવિસ હેડને પાછળ છોડી દીધો છે.
આઈસીસી મેન્સની ટેસ્ટ બોલિગ રેન્કિંગમાં જસપ્રીત બુમરાહ વિશ્વનો નંબર-૧ બોલર છે. તેના ૮૯૮ રેટિગ પોઈન્ટ છે. જ્યારે વન-ડે બોલિગ રેન્કિંગમાં ૬૭૧ પોઈન્ટ સાથે શ્રીલંકાનો મહિષ તિક્ષણા પ્રથમ સ્થાને છે. ભારતીય બોલર કુલદીપ યાદવ ૬૫૦ પોઈન્ટ સાથે આ યાદીમાં બીજા નંબર પર છે. ટી૨૦ બોલિગ રેન્કિંગમાં ૭૧૭ પોઈન્ટ સાથે ન્યુઝીલેન્ડના જેકબ ડફી નંબર-૧ પર છે. આ યાદીમાં વરુણ ચક્રવર્તી ત્રીજા નંબર પર છે.
રવિન્દ્ર જાડેજા આઈસીસી મેન્સ ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં નંબર-૧ બોલર છે. અફઘાનિસ્તાનના આઝમતુલ્લાહ ઓમરઝાઈ વન-ડે ઓલરાઉન્ડર રેન્કિંગમાં નંબર-૧ છે. તેમજ ટી૨૦માં વિશ્વનો નંબર-૧ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છે.(૪૦.૩૪)
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
