News of Monday, 28th July 2025
ઓવલનો રણસંગ્રામ: શું આખરે અભિમન્યુ ઈશ્વરનને તક મળશે? ચાર વર્ષની તપસ્યાનો અંત આવશે?
હવે અભિમન્યુને ઓવલમાં થનારી 5મી ટેસ્ટનો ઇંતેઝાર છે. 4 વર્ષથી ટીમના "ટૂરિસ્ટ" બનીને ફરતા આ ખેલાડીને આશા છે કે કદાચ આ વખતે કેપ્ટન-કોચનું દિલ પીગળશે.

28 જુલાઈ 2025: ક્રિકેટ જગતમાં "તક" શબ્દનું વજન સોના જેટલું હોય છે, પરંતુ કેટલાક ખેલાડીઓ માટે તે દુર્લભ રત્ન સમાન બની જાય છે. ભારતીય ક્રિકેટ ટીમમાં એક એવું જ નામ છે – અભિમન્યુ ઈશ્વરન. છેલ્લા ચાર વર્ષથી તેઓ ટીમ ઇન્ડિયા સાથે પ્રવાસ કરી રહ્યા છે, દરેક પ્રેક્ટિસ સેશનમાં પરસેવો પાડી રહ્યા છે, છતાં તેમનું ટેસ્ટ ડેબ્યૂનું સપનું અધૂરું જ રહ્યું છે. શું લંડનના ઐતિહાસિક ઓવલ મેદાન પર આ 'ચક્રવ્યૂહ' તૂટશે અને અભિમન્યુને આખરે તેમની મહેનતનું ફળ મળશે?
વિસ્તૃત માહિતી:
ભારતીય ટીમ ઇંગ્લેન્ડના મેદાન પર સિરીઝ રમી રહી છે, પરંતુ એક ખેલાડી દરેક શહેર – લીડ્સ, બર્મિંગહામ, લંડન, માન્ચેસ્ટર – માં ટીમના પડાવ દરમિયાન સતત જોવા મળે છે, જે ફિલ્ડિંગ સેશનમાં ઉત્સાહ સાથે ભાગ લે છે, પરસેવો પાડીને પ્રેક્ટિસ કરે છે, પરંતુ જ્યારે મેચ રમવાની વાત આવે છે ત્યારે જાણે ટીમ મેનેજમેન્ટને સાપ સુંઘી જાય છે. આ વાત છે અભિમન્યુ ઈશ્વરનની.
સાક્ષી અભિમન્યુની યાતનાના:
માન્ચેસ્ટર ટેસ્ટમાં કરુણ નાયરને સતત નિષ્ફળતા બાદ પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરાયા ત્યારે સૌને આશા હતી કે અભિમન્યુને તક મળશે, પરંતુ કેપ્ટન શુભમન ગિલ અને હેડ કોચ ગૌતમ ગંભીરે ફરીથી સાઈ સુદર્શનને તક આપી, અને અભિમન્યુ બેન્ચ પર જ બેઠા રહ્યા. વર્ષ 2021-22 થી તેઓ ટીમ ઇન્ડિયા સાથે છે, પણ તેમની બ્લુ જર્સી પહેરીને મેદાનમાં ઉતરવાની તમન્ના હજુ અધૂરી છે.
આંકડા બોલે છે, છતાં અન્યાય શા માટે?
અભિમન્યુ ઈશ્વરનનો ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રેકોર્ડ અદ્ભુત છે: 103 મેચમાં 7,841 રન, જેમાં 27 સદી અને 31 અડધી સદીનો સમાવેશ થાય છે. તેમનો બેટિંગ એવરેજ 54નો છે! જ્યારે સાઈ સુદર્શન, જેને તેમના પર પ્રાધાન્ય અપાયું, તેમનો રેકોર્ડ જુઓ: 30 મેચમાં 36ની એવરેજથી 1987 રન, જેમાં માત્ર 7 સદી અને 5 અડધી સદી છે. આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે અનુભવ અને પ્રદર્શન બંનેમાં અભિમન્યુ સુદર્શનથી ઘણા આગળ છે.
પૂર્વ સિલેક્ટર સબા કરીમે આ મુદ્દે ટીમ મેનેજમેન્ટની આકરી ટીકા કરતા કહ્યું કે, "આઈપીએલની ચમકથી પસંદગી કરવી યોગ્ય નથી." તેમણે ભારપૂર્વક કહ્યું કે, જો કોઈ ખેલાડી આઈપીએલમાં નથી રમતો તો તેનો અર્થ એ નથી કે તે ખરાબ બેટ્સમેન છે.
15 ડેબ્યૂ, છતાં અભિમન્યુનું ભાગ્ય અધર:
અભિમન્યુ ઈશ્વરન ભારતીય ટીમમાં આવ્યા પછી અત્યાર સુધીમાં સૂર્યકુમાર યાદવ, રજત પાટીદાર, ઈશાન કિશન જેવા 15 ખેલાડીઓ ટેસ્ટ ડેબ્યૂ કરી ચૂક્યા છે. આ આંકડો જ દર્શાવે છે કે સતત ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરવા છતાં અભિમન્યુને માત્ર બેન્ચ પર બેસવું પડ્યું છે.
ઓવલ: આશાનું કિરણ કે ફરી નિરાશા?
હવે અભિમન્યુને ઓવલમાં થનારી 5મી ટેસ્ટનો ઇંતેઝાર છે. 4 વર્ષથી ટીમના "ટૂરિસ્ટ" બનીને ફરતા આ ખેલાડીને આશા છે કે કદાચ આ વખતે કેપ્ટન-કોચનું દિલ પીગળશે. શું ઓવલ ખાતે પસંદગીનો ચક્રવ્યૂહ તૂટશે અને અભિમન્યુ ઈશ્વરનને તેમની લાયકાત મુજબની તક મળશે? આ સવાલનો જવાબ તો સમય જ આપશે, બાકી ઈશ્વરનનું ભાગ્ય ઈશ્વર જ જાણે!
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
