<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

વનડે રેન્કિંગમાં સ્મૃતિ મંધાના ટોચના સ્થાને : દીપ્તિ શર્માને ફાયદો:હરમનપ્રિતને નુકસાન

દીપ્તિ શર્માએ 10 સ્થાનની છલાંગ લગાવી હવે 23 મા સ્થાને પહોંચી : હરમનપ્રીત કૌર પાંચ સ્થાન નીચે સરકીને 21મા સ્થાને આવી ગઈ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીઓએ નવીનતમ ICC ODI રેન્કિંગમાં દબદબો જાળવી રાખ્યો છે. ભારતની ઓપનર સ્મૃતિ મંધાનાએ પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. દીપ્તિ શર્માએ 10 સ્થાનની છલાંગ લગાવી છે. તે હવે 23 મા સ્થાને પહોંચી ગઈ છે. ભારતીય ટીમ મંગળવારે ત્રીજી ODIમાં ઇંગ્લેન્ડનો સામનો કરશે અને શ્રેણી જીતવાનો પ્રયાસ કરશે.

ઇંગ્લેન્ડ સામેની ODI શ્રેણીમાં શાનદાર પ્રદર્શનના આધારે, ભારતની દીપ્તિ શર્મા બેટ્સમેનોમાં 10 સ્થાનના ઉછાળા સાથે 23મા સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે ઓપનર સ્મૃતિ મંધાનાએ મંગળવારે જાહેર કરાયેલ નવીનતમ ICC રેન્કિંગમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.

સિરીઝની પ્રથમ બે મેચમાં શાનદાર પ્રદર્શનને કારણે ઇંગ્લેન્ડ અને ભારતની ખેલાડીઓને આ રેન્કિંગમાં ફાયદો થયો છે. દીપ્તિએ શરૂઆતની ODIમાં 62 રનની અણનમ ઇનિંગ સાથે ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ પછી, તેણીએ બીજી ODIમાં પણ અણનમ 30 રનનું યોગદાન આપ્યું હતું.

સોફિયા ડંકલેએ 24 સ્થાનનો ફાયદો મેળવ્યો છે. તે બેટ્સમેનોની યાદીમાં 52 મા સ્થાને પહોંચી ગઈ છે. સ્મૃતિ મંધાના પ્રથમ બે મેચમાં 28 અને 42 ના સ્કોર સાથે રેન્કિંગમાં ટોચ પર યથાવત છે અને તેણે પોતાનું રેટિંગ 727 જાળવી રાખ્યું છે. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર 17 અને 7 ના સ્કોર પછી પાંચ સ્થાન નીચે સરકીને 21મા સ્થાને આવી ગઈ છે.

બોલિંગ રેન્કિંગમાં ટોચ પર રહેલી સોફી એક્લેસ્ટોન પોતાનું સ્થાન વધુ મજબૂત કરવામાં સફળ રહી છે. વર્તમાન શ્રેણીમાં ચાર વિકેટ લેનારી આ અનુભવી ખેલાડીનું રેટિંગ 747 થી વધીને 776 થયું છે. બોલરોની રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાની એશ્લે ગાર્ડનર (724) અને મેગન શટ (696) તેના પછી બીજા અને ત્રીજા સ્થાને છે. દીપ્તિ ચોથા સ્થાને યથાવત છે.

(8:46 PM IST)