<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th July 2025

પંત મને સ્‍ટ્રાઇક આપવા માંગતો હતોઃ કે.એલ. રાહુલનો ખુલાસો

રાહુલે કહ્યું મેં પતને કીધુ હતુ કે મારે લંચ પહેલા સદી ફટકારવી છે, તેનું આઉટ થવું અમારા માટે દુર્ભાગ્‍યપૂર્ણ હતુ

નવી દિલ્‍હીઃ  આંગળીમાં ઇજા હોવા છતાં ઋષભ પંત બેટિંગ કરવા માટે ઉતર્યો હતો. શાનદાર લયમાં રહેલા ઋષભ પંતે અડધી સદી ફટકારી હતી. જોકે, ભારતીય ઇનિંગ્સની 66મી ઓવરમાં ટીમ ઇન્ડિયાએ ઋષભ પંતની વિકેટ ગુમાવી દીધી હતી. પંત રન આઉટ થયા બાદ પેવેલિયન પરત ફર્યો. કે એલ રાહુલે આ અંગે પોતાનો ખુલાસો આપ્યો છે.

લોર્ડ્સ ટેસ્ટના ત્રીજા દિવસે ઋષભ પંતના રન આઉટ પર કે એલ રાહુલે પોતાનો ખુલાસો આપ્યો છે. ભારતના પ્રથમ ઇનિંગ્સના સેન્ચુરિયન કેએલ રાહુલે કહ્યું કે, પંત અને તેમની વચ્ચે સદી અંગે વાત થઈ હતી. રાહુલે કહ્યું કે તે લંચ પહેલા સદી ફટકારવા માંગે છે.

બીજા દિવસે અણનમ પરત ફરેલા ઋષભ પંત અને કેએલ રાહુલે ત્રીજા દિવસે ચોથી વિકેટ માટે 141 રનની ભાગીદારી કરી હતી. પંતે 66.07 ના સ્ટ્રાઇક રેટથી 112 બોલમાં 74 રનની ઇનિંગ રમી. પોતાની ઇનિંગ્સમાં તેણે 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. લંચ પહેલા જ ભારતે પંતની વિકેટ રન આઉટ તરીકે ગુમાવી દીધી.

ખરેખર, તે સમયે કેએલ રાહુલ 98 રન બનાવીને રમી રહ્યો હતો. તે પોતાની સદી પૂર્ણ કરવા માંગતો હતો. ત્રીજા દિવસની રમત પૂરી થયા પછી કેએલ રાહુલે પ્રેસ કોન્ફરન્સમાં આ વાતનો ખુલાસો કર્યો.હતો. કે એલ રાહુલે કહ્યું કે, ઋષભ પંતનો રન આઉટ નિરાશાજનક હતો. બશીરે છેલ્લી ઓવર ફેંકી, મને લાગ્યું કે લંચ પહેલા સદી ફટકારવાની આ સારી તક છે. ઋષભ ફક્ત સ્ટ્રાઈક ફેરવીને મને સ્ટ્રાઈક પર લાવવા માંગતો હતો. તેનું આઉટ થવું અમારા બંને માટે દુર્ભાગ્યપૂર્ણ હતું. કોઈ પણ આ રીતે પોતાની વિકેટ ગુમાવવા માંગતું નથી.

ભારતની પહેલી ઇનિંગની 66મી ઓવર સ્પિનર શોએબ બશીર ફેંકી રહ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર બશીરે ઓફ સ્ટમ્પ તરફ બોલ ફેંક્યો. પંતે કવર પોઈન્ટ તરફ રમીને સિંગલ ચોરી કરવાનો પ્રયાસ કર્યો. કેએલ રાહુલ, જે તેની સદીની ખૂબ નજીક હતો, તે નોન-સ્ટ્રાઈક એન્ડથી દોડ્યો. પંત પણ 2 સ્ટેપ દોડ્યા પછી અટકી ગયો. જોકે, આ પછી તેણે રન પૂર્ણ કરવાનો નિર્ણય લીધો. આ દરમિયાન, ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે બુદ્ધિ બતાવી. બેન સ્ટોક્સે પાછળ ફરીને નોન-સ્ટ્રાઈક એન્ડ પર રોકેટ થ્રો કર્યો. થ્રો પણ લક્ષ્ય પર વાગ્યો અને પંતને પાછા જવું પડ્યું.

(2:14 PM IST)