તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th July 2025
આકાશે બહેનને સમર્પિત કરી ઐતિહાસિક જીત! ઈંગ્લેન્ડ સામે 10 વિકેટ લીધા બાદ બોલ્યો – "બોલ પકડતા જ તમારી યાદ આવી!"
આકાશદીપની આ પ્રેરણાદાયી કહાણી ખરેખર અદભુત છે! આકાશદીપ નામનો આ સિતારો ભારતીય ક્રિકેટમાં લાંબા સમય સુધી ચમકતો રહેશે એ નિશ્ચિત છે

બર્મિંગહામ : ઈંગ્લેન્ડના બર્મિંગહામના એજબેસ્ટન ગ્રાઉન્ડમાં ચાલી રહેલી એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં ભારતના યુવા ફાસ્ટ બોલર આકાશદીપે ઈતિહાસ રચ્યો છે! તેણે એજબેસ્ટન ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં 4 અને બીજી ઇનિંગ્સમાં 6 વિકેટ લઈને કુલ 10 વિકેટ ઝડપી અને ભારતને ઐતિહાસિક જીત અપાવી.
આકાશદીપનો વિસ્ફોટક દેખાવ અને ભારતીય ક્રિકેટમાં નવો અધ્યાય:
આકાશદીપ ઈંગ્લેન્ડમાં એક ટેસ્ટ મેચમાં 10 વિકેટ લેનારો બીજો ભારતીય બોલર બની ગયો છે. આ પહેલા ચેતન શર્માએ 1986માં બર્મિંગહામમાં આ કારનામું કર્યું હતું. આકાશદીપના શાનદાર પ્રદર્શનને કારણે ભારતે બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 336 રનથી હરાવી દીધું છે. આ સાથે જ પાંચ મેચની સીરીઝ 1-1થી બરાબર થઈ ગઈ છે.
608 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરી રહેલી ઈંગ્લેન્ડની ટીમ મેચના છેલ્લા દિવસે 271 રન પર ઓલઆઉટ થઈ ગઈ. આ ઈંગ્લેન્ડની ધરતી પર રનના માર્જિનથી ભારતની અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. અગાઉનો રેકોર્ડ 279 રનથી જીતનો હતો, જે ભારતે 1986માં લીડ્ઝમાં અંગ્રેજોને હરાવીને બનાવ્યો હતો. આ સાથે જ ભારતે બર્મિંગહામમાં 58 વર્ષમાં પહેલી જીત હાંસલ કરી છે. અગાઉ અહીં રમાયેલી 8 ટેસ્ટમાંથી 7માં ભારતની હાર થઈ હતી અને 1 મેચ ડ્રો રહી હતી.
આકાશદીપે મેચમાં કેવી રીતે સ્થાન બનાવ્યું?
આકાશદીપને પ્રથમ મેચમાં પ્લેઇંગ-11માં તક મળી ન હતી, પરંતુ જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં તેણે બંને ઇનિંગ્સમાં શાનદાર બોલિંગ કરી. પ્રથમ ઇનિંગ્સમાં આકાશદીપે 88 રન આપીને 4 વિકેટ લીધી હતી. બીજી ઇનિંગ્સમાં તેણે 99 રન આપીને 6 વિકેટ લીધી. આકાશદીપે તેની સીમ મૂવમેન્ટથી સમગ્ર મેચ દરમિયાન ઈંગ્લેન્ડના બેટ્સમેનોને પરેશાન રાખ્યા હતા. નવા બોલથી તેણે બંને ઇનિંગ્સમાં ભારતીય ટીમને બ્રેક-થ્રુ અપાવ્યા.
સાસારામથી ટીમ ઈન્ડિયા સુધીની સંઘર્ષમય યાત્રા:
આકાશદીપનો જન્મ 15 ડિસેમ્બર 1996ના રોજ બિહારના દેહરી, સાસારામમાં થયો હતો. તેણે બાળપણથી જ ક્રિકેટને પોતાનું સપનું બનાવ્યું, પરંતુ આ માર્ગે તેને ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો. જ્યારે બિહાર ક્રિકેટ એસોસિએશન સસ્પેન્ડ હતું, ત્યારે તેની પાસે કોઈ પ્લેટફોર્મ ન હતું. પડોશીઓએ પણ પોતાના બાળકોને આકાશથી દૂર રહેવાની સલાહ આપી હતી, જેથી તેમના બાળકો અભ્યાસ છોડી ક્રિકેટના માર્ગે ન જાય.
પિતાની ઈચ્છા:
આકાશદીપના પિતા સ્વ. રામજી સિંહ શારીરિક શિક્ષક હતા, જ્યારે માતા લડ્ડુમા દેવી ગૃહિણી છે. તેમનો પરિવાર ગામમાં ખેતી કરે છે. તેમના પિતા રામજી સિંહ ઇચ્છતા હતા કે તેમનો દીકરો સરકારી નોકરી કરે. તેમણે આકાશને પટાવાળો કે કોન્સ્ટેબલ બનવાની સલાહ આપી હતી. પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. આકાશ ઘણીવાર છુપાઈને ક્રિકેટ રમતો હતો.
વર્ષ 2015માં લકવો થવાને કારણે પિતા અને મોટા ભાઈના છ મહિનાની અંદર અવસાન થયા પછી, આકાશ પરિવારનો એકમાત્ર કમાઉ સભ્ય બની ગયો. આ મુશ્કેલ સંજોગોમાં આકાશ 3 વર્ષ સુધી ક્રિકેટથી દૂર રહ્યો. પરંતુ બાદમાં ઘર ચલાવવા માટે તેણે ક્રિકેટનો જ સહારો લીધો.
બંગાળમાં ક્રિકેટ બન્યો વ્યવસાય:
શરૂઆતમાં આકાશ પોતાની બહેન સાથે દિલ્હી ગયો. અહીંથી તેણે પોતાના ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી. પછી બંગાળમાં ક્લબ ક્રિકેટ રમ્યો. બાદમાં તેણે ઘરેલુ ક્રિકેટમાં બંગાળનું પ્રતિનિધિત્વ પણ કર્યું.
ઘર ખર્ચ માટે દર મહિને ₹25 હજાર:
ઘરનો ખર્ચ ચલાવવા માટે આકાશદીપ તેના એક મિત્રની મદદથી દુર્ગપુરમાં એક ક્રિકેટ ક્લબ સાથે જોડાયો. ત્યાં ટેનિસ બોલ ક્રિકેટ રમીને તેણે દરરોજ 800 રૂપિયા સુધી કમાયા અને મહિને લગભગ 25 હજાર રૂપિયા પરિવારને મોકલતો હતો. બાદમાં તે કોલકાતા આવ્યો અને CAB લીગમાં યુનાઈટેડ ક્લબથી રમ્યો.
તેની લંબાઈ અને બોલિંગની ધાર જોઈને કોચોએ તેને ઝડપી બોલર બનવા પ્રેરિત કર્યો. આકાશદીપને બિહાર ક્રિકેટ એસોસિએશન પર પ્રતિબંધ હોવાને કારણે બંગાળ જવું પડ્યું હતું.
રણજી, IPL અને પછી ટીમ ઈન્ડિયામાં ધમાકેદાર એન્ટ્રી:
2019માં તેણે બંગાળ માટે T20 ડેબ્યૂ કર્યું અને ઝડપથી વિજય હઝારે ટ્રોફી અને રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું. IPLમાં 2021માં તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે જોડાયો અને 2025માં લખનૌ સુપરજાયન્ટ્સે તેને 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
2024માં ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ:
આકાશદીપે ફેબ્રુઆરી 2024માં ઈંગ્લેન્ડ સામેની ઘરેલું ટેસ્ટ શ્રેણીમાં પોતાનું ડેબ્યૂ કર્યું. 2025ની એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં જસપ્રીત બુમરાહના સ્થાને તેને એજબેસ્ટન ટેસ્ટમાં તક મળી, જેને તેણે બંને હાથે ઝડપી લીધી.
આકાશદીપની જીતથી રોહતાસના ગામમાં ખુશીની લહેર છે. લોકો ફટાકડા ફોડી રહ્યા છે, મીઠાઈઓ વહેંચી રહ્યા છે. આકાશની માતા લડ્ડુમા દેવી ભાવુક થઈને કહે છે, 'હમારા બેટા આજ દેશ કે નામ રોશન કર દિહલસ.'
ગામવાળાનું કહેવું છે કે આકાશની સફળતા આજના યુવાનો માટે એક દાખલો છે. આકાશદીપે અત્યાર સુધી તેની 38 મેચોની ફર્સ્ટ-ક્લાસ કારકિર્દીમાં 128 વિકેટ લીધી છે.
કેન્સર પીડિત બહેનને સમર્પિત જીત:
આકાશદીપ રવિવારે જીત બાદ પોતાની બહેનને યાદ કરતા ભાવુક દેખાયા હતા. મેચ જીત્યા બાદ એક ઇન્ટરવ્યુ દરમિયાન તેણે પોતાનું આ શાનદાર પ્રદર્શન પોતાની બહેનને સમર્પિત કર્યું, જે છેલ્લા બે મહિનાથી કેન્સર સામે ઝઝૂમી રહી છે.
આકાશદીપે કહ્યું કે તેની બહેન તેનું આ શાનદાર પ્રદર્શન જોઈને ખૂબ ખુશ થશે. આકાશદીપે મેચ જીત્યા બાદ સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાતચીતમાં કહ્યું, "મારી મોટી બહેન છેલ્લા બે મહિનાથી કેન્સર સામે ઝઝૂમી રહી છે. હવે તે ઠીક છે. તેણે માનસિક રીતે જે કંઈ પણ સહન કર્યું છે, તેના પછી તે આજે ખૂબ ખુશ હશે અને હું આ મેચ તેને સમર્પિત કરું છું. હું તેના ચહેરા પર ખુશી જોવા માંગુ છું."
તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, "આ પ્રદર્શન તમારા માટે છે. જ્યારે પણ હું બોલ પકડતો હતો, ત્યારે મારા મનમાં તમારો ખ્યાલ આવતો હતો. હું તમારી સાથે છું. હું તમારા ચહેરા પર ખુશી જોવા માંગુ છું. અમે બધા તમારી સાથે છીએ."
નેટવર્થ અને બ્રાન્ડ વેલ્યુમાં પણ ધમાકો:
આકાશદીપની નેટવર્થ હવે લગભગ 40 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. તે BCCIનો ગ્રેડ-સી ખેલાડી છે અને 1 કરોડ રૂપિયા વાર્ષિક કમાય છે. IPL અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી તેની કમાણી કરોડોમાં છે.
(10:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
