News of Wednesday, 25th June 2025
અંગ્રેજોની ઓપનિંગ જોડીએ જીતનો પાયો નાખી દીધો હતો, જયસ્વાલે ત્રણ કેચ છોડયા, શાર્દુલે મેચમાં વાપસી કરાવી પણ..
પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે હારઃ શુભમન ગિલમાં કેપ્ટનશીપમાં અનુભવની કમી જોવા મળી

નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ૫ મેચની ટેસ્ટ સિરીઝની શરૂઆત નબળી રહી છે. ભારતીય ટીમે રનનો ઢગલો કર્યા બાદ પણ ઈંગ્લેન્ડની ટીમ સામે નબળી ફિલ્ડિંગ અને નવા કેપ્ટન શુભમન ગિલની સુસ્ત કેપ્ટનશિપના કારણે હારનો સામનો કરવો પડ્યો. લીડ્સ ટેસ્ટના છેલ્લા દિવસે ઈંગ્લેન્ડે રેકોર્ડ ૩૭૧ રનના ટાર્ગેટનો પીછો કરીને જીત હાંસલ કરી. આ પહેલાં આ મેદાન પર આટલો મોટો ટોટલ માત્ર એક જ વખત હાંસલ થયો હતો.
ઈંગ્લેન્ડ સામેની મેચના છેલ્લા દિવસે ૩૫૦ રનનો વિશાળ સ્કોર હતો. ઓપનર બેન ડકેટની ૧૪૯ રનની મેરેથોન ઇનિંગ્સ અને જો રૂટની ધૂંઆધાર બેટિંગના દમ પર ટીમે આ ટાર્ગેટ હાંસલ કર્યો. ૨૧ રનના સ્કોરથી આગળ રમતા પાંચમા દિવસે ઈંગ્લેન્ડની ઓપનિંગ જોડીએ ૧૮૮ રનની ભાગીદારી કરીને જીતનો પાયો નાખ્યો. ઝેક ક્રોલી ૬૫ રન બનાવીને આઉટ થયો, પરંતુ બેન ડકેટની ૧૭૦ બોલમાં ૨૧ ચોગ્ગા અને ૧ છગ્ગા મદદથી રમાયેલી ૧૪૯ રનની ઇનિંગ્સે મેચ ભારતના હાથમાંથી છીનવી લીધી. અંતમાં જો રૂટે એક છેડે ટકીને ફિફ્ટી ફટકારી અને ભારતની આશાઓ પર પાણી ફેરવી દીધું.
ભારતીય ટીમે આ મેચમાં કેટલાંક એવા કેચ છોડ્યા કે પછી કોઈ પણ ટીમ જીતની આશા રાખી શકે નહીં. ઇંગ્લેન્ડ સામેની પહેલી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે ૩ કેચ છોડ્યા હતા અને બીજી ઇનિંગમાં ૯૭ રન પર બેટિંગ કરી રહેલા બેન ડકેટને જીવનદાન આપ્યું. આ સિવાય પણ મોહમ્મદ સિરાજની બોલ પર વિકેટની પાછળ ઘણી તકો ગુમાવી. તેમાં સ્લિપમાં બેટનો કિનારો લઈને ગયેલી બોલ પણ હતી.
પહેલી વાર ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ કરી રહેલા શુભમન ગિલમાં અનુભવની કમી સ્પષ્ટ દેખાઈ. કેપ્ટન ગિલ જસપ્રિત બુમરાહ પર જરૂરથી વધુ નિર્ભર દેખાયા. શાર્દુલ ઠાકુરને દિવસની રમત શરૂ થયા પછી માત્ર ૪ ઓવર જ કરાવી હતી. જામી ગયેલી જોડી તોડવામાં નિષ્ણાત ગણાતા આ બોલરને જ્યારે ગિલે બોલિંગ માટે બોલાવ્યો, ત્યારે તેણે સતત બે બોલ પર વિકેટ લીધી. ૧૪૯ રન પર બેટિંગ કરી રહેલા બેન ડકેટ અને હેરી બ્રૂકને આઉટ કરીને શાર્દુલ ઠાકુરે મેચમાં વાપસી કરાવી. જો તેમને પહેલા બોલાવ્યો હોત તો મેચનું પરિણામ બદલાઈ શકયું હોત.
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
