<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

ક્રિકેટના મહાસંગ્રામ વર્લ્ડ કપ ૨૦૨૫નું શેડ્યુલ જાહેર

હાઇબ્રિડ મોડેલમાં રમાશે ભારત-પાકિસ્તાનની મેચઃ૩૦ સપ્ટેમ્બરથી મહિલા વનડે વર્લ્ડ કપની શરૃઆત થશે ઓપનિંગ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે બેંગલુરુમાં રમાશે

નવી દિલ્હી, તા.૧૬

ભારતની યજમાનીમાં ૩૦ સપ્ટેમ્બરથી મહિલા વનડે વર્લ્ડ કપની શરૃઆત થવાની છે. ઓપનિંગ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડેલમાં રમાશે. એવામાં ભારત અને પાકિસ્તાનની હાઈ પ્રોફાઈલ મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ૫ ઓક્ટોબરના રોજ રમાશે.

બીસીસીઆઈ અને પીસીબી વચ્ચે થયેલી હાઇબ્રિડ સમજૂતી અનુસાર પાકિસ્તાન પોતાના તમામ મેચ કોલંબોમાં રમશે. ભારતે પાકિસ્તાનની યજમાનીમાં આ વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીની પોતાની તમામ મેચ દુબઈમાં રમી હતી, ત્યારબાદ પીસીબીએ પણ પોતાની શરત મનાવી લીધી હતી કે, પાકિસ્તાન પણ ભવિષ્યમાં આઈસીસી ટુર્નામેન્ટમાં પોતાના મેચ માટે ભારતનો પ્રવાસ નહીં કરે.

ટુર્નામેન્ટમાં ૨૮ લીગ મેચ રમાશે, ત્યારબાદ ફાઇનલ અને સેમીફાઇનલ સહિત ત્રણ નોકઆઉટ રમાશે. આ મેચ બેંગલુરુ, ઇન્દોર, ગુવાહાટી, વિશાખાપટ્ટનમ અને કોલંબોમાં રમાશે. પહેલી સેમીફાઇનલ ૨૯ ઓક્ટોબરે ગુવાહાટીમાં રમાશે, જો પાકિસ્તાન સેમીફાઇનલમાં પહોંચે છે તો આ મેચ કોલંબોમાં રમાશે. બીજી સેમીફાઇનલ ૩૦ ઓક્ટોબરના બેંગલુરુમાં રમાશે. ૩ નવેમ્બરે રમાનાર ફાઇનલ બેંગલુરુ કે કોલંબોમાં રમાશે.

વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ૧ ઓક્ટોબરે ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે પોતાનું અભિયાન શરૃ કરનાર છે. ત્યારબાદ ૮ ઓક્ટોબરે કોલંબોમાં પાકિસ્તાન સાથે ટક્કર થશે. ગત એડિશનની ફાઇનલની રિકેપ મેચ એટલે કે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની ટક્કર ૨૨ ઓક્ટોબરે ઇન્દોરમાં થશે.

યજમાન ભારત સિવાય ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાએ સીધું ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય કર્યું હતું. આ વર્ષની શરૃઆતમાં લાહોરમાં રમાયેલી ક્વોલિફાયરમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશે છેલ્લા બે સ્થાન મેળવ્યાં હતા. આ ટુર્નામેન્ટમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ સામેલ નહીં હોય, જે ક્વોલિફાયરમાં નેટ રન રેટના આધારે બાંગ્લાદેશ સામે હારી ગઈ હતી.

(10:42 PM IST)