તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd June 2025
ક્રિકેટ જગતને આંચકો : વર્લ્ડ કપ 2023ના હીરો ગ્લેન મેક્સવેલે અચાનક ODI ક્રિકેટમાંથી સંન્યાસ લીધો!
વિસ્ફોટક ઓલરાઉન્ડર હવે માત્ર T20 ફોર્મેટમાં જ જોવા મળશે : 2026 T20 વર્લ્ડ કપ પર ધ્યાન કેન્દ્રિત કરશે : યાદગાર બેવડી સદી સાથે ODI કરિયરનો અંત

નવી દિલ્હી, 2 જૂન, 2025: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ અને ધાકડ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે પોતાના પ્રશંસકોને મોટો ઝટકો આપ્યો છે. 'બિગ શો' તરીકે જાણીતા મેક્સવેલે વન-ડે ઇન્ટરનેશનલ (ODI) ક્રિકેટમાંથી તાત્કાલિક અસરથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. હવે તે માત્ર T20 ફોર્મેટમાં જ ઓસ્ટ્રેલિયા માટે રમતા જોવા મળશે.
બે વખતનો વર્લ્ડ કપ વિજેતા મેક્સવેલે પોતાની ODI કારકિર્દીનો 149 મેચો અને 3990 રન સાથે સમાપ્તિ કરી છે. મેક્સવેલે ઓસ્ટ્રેલિયા માટે અનેક યાદગાર ઇનિંગ્સ રમી છે, પરંતુ 2023 ODI વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે રમાયેલી તેની શાનદાર બેવડી સદી સૌથી વધુ ચર્ચામાં રહી છે. તે મેચમાં ઓસ્ટ્રેલિયાને 292 રનનો લક્ષ્ય મળ્યો હતો, પરંતુ તેઓ 91 રનમાં 7 વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ગંભીર ખેંચાણ (ક્રૅમ્પ) હોવા છતાં, મેક્સવેલે અવિશ્વસનીય 201 રન* ની અણનમ ઇનિંગ્સ રમીને ટીમને જીત અપાવી હતી. આ ઇનિંગ્સને ODI ઇતિહાસની સૌથી મહાન ઇનિંગ્સમાંની એક ગણવામાં આવે છે. બાદમાં ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ભારતને હરાવીને વિશ્વ કપ જીત્યો હતો.
પોડકાસ્ટમાં આપી નિવૃત્તિની જાણકારી:
મેક્સવેલે 'ધ ફાઇનલ વર્ડ' પોડકાસ્ટમાં એડમ કોલિન્સ સાથેની વાતચીતમાં પોતાના સંન્યાસની પુષ્ટિ કરી હતી. તેણે કહ્યું, "હું શરૂઆતના દિવસોને યાદ કરું છું, જ્યારે મને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. હું ટીવી પર જોયેલા ખેલાડીઓ સાથે રમી રહ્યો હતો. પાકિસ્તાન સામે UAE માં જીતેલી સિરીઝ મારા માટે ખૂબ જ ખાસ હતી. હું વિચારતો હતો કે કદાચ આ મારી છેલ્લી તક હશે, પરંતુ મને ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા. હું વર્લ્ડ કપમાં રમ્યો, કેટલીક શ્રેષ્ઠ ટીમોનો ભાગ રહ્યો. હજુ પણ એ સાંભળવામાં વિચિત્ર લાગે છે કે હું ભૂતપૂર્વ ખેલાડી છું, પરંતુ મને લાગે છે કે જલ્દી જ તેની આદત પડી જશે."
T20 ક્રિકેટમાં કરિયર ચાલુ રાખશે:
જોકે મેક્સવેલે ODI ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે, પરંતુ તે T20I ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા તરફથી રમવાનું ચાલુ રાખશે. તેનું ધ્યાન હવે T20 વર્લ્ડ કપ 2026 અને અન્ય લીગ ટુર્નામેન્ટ્સ પર કેન્દ્રિત રહેશે. ક્રિકેટપ્રેમીઓ માટે મેક્સવેલની ODI કારકિર્દી હંમેશા યાદગાર રહેશે, ખાસ કરીને તેની વિજયી ઇનિંગ્સ અને અદભૂત ફિલ્ડિંગ માટે.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
