<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો :અચાનક કેપ્ટન બદલવો પડ્યો: અક્ષર પટેલને ટીમમાંથી બહાર: ફાફ ડુ પ્લેસિસને સુકાની બનાવ્યો

જાણો મુંબઈ સામેની કરો યા મરો મેચમાં દિલ્હી કેપિટલ્સએ આવો નિર્ણય કેમ લેવો પડ્યો?

IPLની 63મી મેચમાં દિલ્હી કેપિટલ્સને મુંબઈ ઈન્ડિયન્સ સામે મોટો ઝટકો લાગ્યો હતો. દિલ્હી કેપિટલ્સને અચાનક પોતાનો કેપ્ટન બદલવો પડ્યો હતો, અક્ષર પટેલ ટીમની બહાર થઈ ગયો હતો. દિલ્હી કેપિટલ્સે ફાફ ડુ પ્લેસિસને કેપ્ટન બનાવ્યો હતો.

જ્યારે ડુ પ્લેસિસ ટોસ કરવા આવ્યો ત્યારે તેને પૂછવામાં આવ્યું કે અક્ષર પટેલને શું થયું છે, જેના જવાબમાં તેણે કહ્યું, 'અક્ષર પટેલનું બહાર થવું દુર્ભાગ્યપૂર્ણ છે. તે છેલ્લા બે દિવસથી બીમાર છે, તેને તાવ છે. આશા છે કે તે જલ્દી ફિટ થઈ જશે. અક્ષર પટેલે આ સિઝનમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને આજની મેચમાં અમને તેની ખોટ પડશે

ડુ પ્લેસિસને કેપ્ટનશીપનો સારો અનુભવ છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની કેપ્ટનશીપ કરી ચૂકેલો ફાફ ડુ પ્લેસિસ પોતાના અનુભવથી દિલ્હીને નવી દિશા આપી શકે છે. તાજેતરની ઈજા બાદ, તે હવે ફિટ છે અને કેપ્ટનશીપની જવાબદારી સંભાળવા માટે તૈયાર છે. આ મેચમાં દિલ્હી માટે ડુ પ્લેસિસની આક્રમક બેટિંગ અને વ્યૂહાત્મક વિચારસરણી મહત્વપૂર્ણ રહેશે.

મુંબઈ ઈન્ડિયન્સ સામેની આ મેચ દિલ્હી માટે કરો યા મરોની મેચ જેવી છે. મુંબઈએ છેલ્લી મેચમાં દિલ્હીને 12 રનથી હરાવ્યું હતું, જેમાં મિડલ ઓર્ડર બેટ્સમેનોની નિષ્ફળતા અને નબળી ફિલ્ડિંગ હારનું કારણ બની હતી. ડુ પ્લેસિસની કેપ્ટનશીપ હેઠળ, દિલ્હી આ ભૂલોને સુધારવાનો પ્રયાસ કરશે.

દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન: ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), અભિષેક પોરેલ, સમીર રિઝવી, ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, વિપ્રાજ નિગમ, માધવ તિવારી, કુલદીપ યાદવ, દુષ્મંત ચમીરા, મુસ્તિફિઝુર રહેમાન, મુકેશ કુમાર

 



 

(9:35 PM IST)