<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

હવે બાળકો માટે પ્રવેશ મફત રહેશે.: સ્ટેડિયમમાં બેસીને ક્રિકેટ મેચ જોવા માટે પૈસા નહિ ખર્ચવા પડે: ક્રિકેટ બોર્ડની મોટી પહેલ

ટેસ્ટ ક્રિકેટમાં ભાગ લેવો એ દરેક બાળકનો માનવ અધિકાર :આગામી ટેસ્ટ મેચોમાં બધા બાળકોને મફત પ્રવેશ આપશે

મુંબઈ : આજના સમયમાં ટેસ્ટ ક્રિકેટનો ક્રેઝ ઓછો થઈ રહ્યો છે. આ ફોર્મેટને પ્રોત્સાહન આપવા માટે દરેક વ્યક્તિ નવી યુક્તિઓ અપનાવી રહી છે. આ જ કારણ છે કે ICC એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે ઇનામી રકમ બમણી કરતા પણ વધારે કરી દીધી છે. દરમિયાન, એક ક્રિકેટ બોર્ડે ટેસ્ટ મેચ દરમિયાન બાળકો માટે પ્રવેશ મફત રાખ્યો છે. 

બાળકો માટે પ્રવેશ મફત, આ પગલું વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ દ્વારા લેવામાં આવ્યું છે. CWI એ કહ્યું છે કે વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી 3 મેચની ટેસ્ટ શ્રેણી દરમિયાન સ્ટેડિયમમાં બાળકો માટે પ્રવેશ મફત રહેશે.

આવતા મહિને(જુન)માં શરૂ થનારી 3 મેચની ટેસ્ટ શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ જોવા માટે કેરેબિયન બાળકોએ એક પણ પૈસો ખર્ચ કરવો પડશે નહીં. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (CWI) ના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ક્રિસ ડેહરિંગે આ વાતનો ખુલાસો કર્યો. બાર્બાડોસમાં કેન્સિંગ્ટન ઓવલ, ગ્રેનાડામાં ગ્રેનાડા નેશનલ સ્ટેડિયમ અને જમૈકામાં સબીના પાર્ક ખાતે આગામી ટેસ્ટ મેચોમાં બધા બાળકોને મફત પ્રવેશ આપવામાં આવશે.

કેન્સિંગ્ટન ઓવલ ખાતે 'WI હોમ - ફુલ ઓફ એનર્જી' ઝુંબેશના સત્તાવાર લોન્ચ દરમિયાન બોલતા, ડેહરિંગે જણાવ્યું હતું કે આ પહેલ CWI ની નવી નીતિના ભાગ રૂપે શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું, "CWI ખાતે અમે માનીએ છીએ કે ટેસ્ટ ક્રિકેટમાં ભાગ લેવો એ દરેક બાળકનો માનવ અધિકાર છે. 

કેરેબિયનમાં ટેસ્ટ ક્રિકેટમાં હાજરી આપવી એ માનવ અધિકાર છે અને તેથી, આ વર્ષે પહેલીવાર અમે બધા બાળકો માટે મફતમાં ટેસ્ટ મેચ જોવાની નીતિ બનાવી રહ્યા છીએ." તેમણે આગળ કહ્યું, "તમને ટિકિટની જરૂર નથી, તે તમારો અધિકાર છે. ટિકિટ ફક્ત તે લોકો માટે છે જેઓ પૈસા આપીને ખરીદે છે, તે તમારો અધિકાર નથી અને જો તે આપણા બાળકોનો અધિકાર છે, તો તે આપણા માતાપિતા, આપણી સંસ્થાઓ, આપણી સરકારો અને દરેક પુખ્ત વયના લોકોની ફરજ છે કે તેઓ ખાતરી કરે કે આપણા બાળકોને આ અધિકાર મળે." તે જ સમયે, CWI ના પ્રમુખ ડૉ. શૈલોએ કહ્યું કે તેમને આશા છે કે આ પગલાથી ટેસ્ટ શ્રેણી દરમિયાન સ્ટેડિયમ સંપૂર્ણ રીતે ભરેલા રહેશે. જોકે, હજુ સુધી એ જણાવવામાં આવ્યું નથી કે બાળકોને કેટલી ઉંમર સુધી મફત પ્રવેશ મળશે.

વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણી 25 જૂનથી શરૂ થશે. બીજી ટેસ્ટ 3 જુલાઈથી રમાશે, જ્યારે ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ 12 જુલાઈથી શરૂ થશે.

(7:51 PM IST)