<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

મહિલાઓની વન-ડે ટ્રાયેન્યૂલર સિરીઝમાં વરસાદના વિઘ્ન વચ્ચે કોલંબોમાં ભારતીય ટીમની વિજયી શરૂઆત

સ્નેહની ત્રણ વિકેટ બાદ પ્રતિકા રાવલની અણનમ હાફ સેન્ચુરી, મંધાના-હર્લીન પણ શાનદાર ઇનિંગ

કોલંબોઃ મહિલા ક્રિકેટરો વચ્ચેની વન-ડે ટ્રાયેન્યૂલર આજે અહીં શરૂ થઈ હતી જેમાં ભારતે યજમાન શ્રીલંકાને વરસાદના વિઘ્નો બાદ આસાનીથી હરાવી દીધી હતી. પ્રતિકા રાવલ (50 અણનમ, 62 બૉલ, સાત ફોર) આ મૅચની સર્વશ્રેષ્ઠ ખેલાડી હતી અને તેને પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

મેઘરાજાની મહેરને લીધે 39-39 ઓવરની થઈ ગયેલી આ મૅચમાં ભારતને જીતવા 148 રનનો લક્ષ્યાંક મળ્યો હતો અને એ અપાવવામાં પ્રતિકાનું સૌથી મોટું તથા સૌથી અગત્યનું યોગદાન હતું.

પ્રતિકા ઓપનિંગમાં રમવા આવી હતી અને ભારતે 29.4 ઓવરમાં 149/1ના સ્કોર સાથે જે બૉલમાં વિજય મેળવ્યો એના આગલા બૉલમાં પ્રતિકાએ લડાયક ઇનિંગ્સની બહુમૂલ્ય હાફ સેન્ચુરી પૂરી કરી હતી અને પછીના બૉલમાં હર્લીન દેઓલે (48 અણનમ, 71 બૉલ, ચાર ફોર) વિનિંગ ફોર ફટકારી હતી. જોકે મૅચ ત્યારે પૂરી થઈ જતાં હર્લીન બે રન માટે હાફ સેન્ચુરી ચૂકી ગઈ હતી.

 


 

(7:47 PM IST)