<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

IPL 2025 - SRH વિરુદ્ધ MI : મુંબઈએ જીતનો 'ચોગ્ગો' લગાવ્યો : હૈદરાબાદને 7 વિકેટે પછાડ્યું

રોહિત શર્માની અડધી સદી અને બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી મુંબઈ ઈન્ડિયન્સનો સરળ વિજય

હૈદરાબાદ: મુંબઈ ઈન્ડિયન્સે બુધવારે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ 2025ની 41મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને સાત વિકેટે હરાવ્યું હતું. હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 143 રન બનાવ્યા હતા, જેના જવાબમાં મુંબઈએ 26 બોલ બાકી રાખીને મેચ પોતાના નામે કરી લીધી હતી.

144 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમને બીજી ઓવરમાં પહેલો ફટકો લાગ્યો હતો. ઓપનર રાયન રિકલ્ટન 8 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો હતો. જયદેવ ઉનાડકટે તેને આઉટ કર્યો હતો. વિલ જેક્સ 19 બોલમાં 22 રન બનાવીને આઉટ થયો હતો. સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ 46 બોલમાં 70 રનની શાનદાર ઇનિંગ રમી હતી. સૂર્યકુમાર યાદવ 19 બોલમાં 40 રન બનાવીને અણનમ રહ્યો હતો. તિલકે બે રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી જયદેવ, મલિંગા અને ઝીશાને 1-1 વિકેટ લીધી હતી.

આ પહેલાં, પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદને ત્રણ ઓવરની અંદર બે મોટા ઝટકા લાગ્યા હતા. ટ્રેવિસ હેડ ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો, જ્યારે ઈશાન કિશને માત્ર એક રન બનાવ્યો હતો. અભિષેક શર્માએ 8 અને નીતિશે બે રન જ બનાવ્યા હતા. અનિકેત 14 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો. 19મી ઓવરમાં જસપ્રીત બુમરાહે હેનરિક ક્લાસેનને આઉટ કરીને અભિનવ મનોહર સાથેની તેની 99 રનની મહત્વપૂર્ણ ભાગીદારીનો અંત લાવ્યો હતો. હેનરિક ક્લાસેને 44 બોલમાં નવ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 71 રનની ઇનિંગ રમી હતી. ટ્રેન્ટ બોલ્ટે 20મી ઓવરમાં અભિનવ મનોહરને પણ આઉટ કરીને મુંબઈ માટે સાતમી વિકેટ લીધી હતી.

અભિનવ મનોહરે 37 બોલમાં ત્રણ છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 43 રન બનાવ્યા હતા. હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 143 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ટ્રેન્ટ બોલ્ટે ચાર અને દીપક ચહરે બે વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહે એક-એક બેટ્સમેનને આઉટ કર્યો હતો. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સની ટીમની આ સિઝનમાં સતત ચોથી જીત છે. આ સાથે જ મુંબઈ 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે હૈદરાબાદની ટીમ 6 હાર સાથે નવમા સ્થાને યથાવત છે.

 

(11:04 PM IST)