તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th April 2025
પેવેલિયનમાં જતા બેટ્સમેનને પાછો બોલાવાયો : વિકેટકીપર હેનરિક ક્લાસેનની ભૂલ ભારે પડી
હૈદરાબાદની ટીમે ઉજવણી શરૂ કરી જોકે, પછી ચોથા અમ્પાયરે મેચમાં દરમિયાનગીરી કરી અને બોલને નો-બોલ જાહેર કર્યો: જાણો કેમ નો બોલ જાહેર કરવો પડ્યો

મુંબઈ :વાનખેડે મેદાન પર એવી ઘટના બની કે બધા ચોંકી ગયા. સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમના ઉજવણીમાં અચાનક વિક્ષેપ પડ્યો. પેવેલિયન તરફ જતી વખતે, મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેન રાયન રિકેલ્ટનને બેટિંગ માટે પાછો બોલાવવામાં આવ્યો. કેપ્ટન પેટ કમિન્સે માથું પકડી રાખ્યું અને મુંબઈ કેમ્પમાં ખુશીની લહેર દોડી ગઈ. ઝીશાન અન્સારીના બોલ પર રિકેલ્ટને એક શક્તિશાળી શોટ રમ્યો, જે સીધો પેટ કમિન્સના હાથમાં ગયો.
હૈદરાબાદની ટીમે ઉજવણી શરૂ કરી અને રિકેલ્ટન પેવેલિયન પરત ફરવા લાગ્યો. જોકે, પછી ચોથા અમ્પાયરે મેચમાં દરમિયાનગીરી કરી અને બોલને નો-બોલ જાહેર કર્યો. હવે આશ્ચર્યજનક વાત એ હતી કે આ નો-બોલમાં બોલરનો કોઈ વાંક નહોતો.
વાસ્તવમાં, સનરાઇઝર્સ હૈદરાબાદના વિકેટકીપર હેનરિક ક્લાસેનની ભૂલને કારણે રાયન રિકેલ્ટનને નોટઆઉટ જાહેર કરવામાં આવ્યો હતો. ઝીશાન અંસારીની બોલ રિકેલ્ટન રમી શકે તે પહેલાં ક્લાસેનના હાથ વિકેટની આગળ ચાલ્યા ગયા અને તેથી બોલને નો-બોલ જાહેર કરવામાં આવ્યો. નિયમો અનુસાર જ્યાં સુધી બેટ્સમેન બોલ ન રમે ત્યાં સુધી કીપરનો હાથ કોઈપણ કિંમતે વિકેટની આગળ ન આવવો જોઈએ. સનરાઇઝર્સ હૈદરાબાદને ક્લાસેનની ભૂલની કિંમત ચૂકવવી પડી અને પેવેલિયન જઈ રહેલા રિકેલ્ટનને મેદાનમાં પાછા બોલાવવામાં આવ્યા. આ દૃશ્ય જોઈને હૈદરાબાદની ટીમ અને બધા ચાહકો સંપૂર્ણપણે ચોંકી ગયા.
વાનખેડે મેદાન પર સનરાઇઝર્સ હૈદરાબાદના બેટ્સમેનોનું પ્રદર્શન અપેક્ષા મુજબ નહોતું. અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે ટીમને સારી શરૂઆત આપી અને પ્રથમ વિકેટ માટે 59 રન ઉમેર્યા. જોકે, બંને બેટ્સમેનોને પહેલી જ ઓવરમાં જીવનદાન મળ્યું. અભિષેક 28 બોલમાં 40 રન બનાવીને આઉટ થયો. જ્યારે, હેડે 28 રન બનાવવા માટે 29 બોલ રમ્યા. ઈશાન કિશન ફરી એકવાર ફ્લોપ થયો અને ફક્ત 2 રન બનાવી શક્યો. નીતિશ રેડ્ડીને 19 રન બનાવીને ટ્રેન્ટ બોલ્ટે આઉટ કર્યો. હેનરિક ક્લાસેને 28 બોલમાં 37 રન ફટકાર્યા, જેના કારણે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને સ્કોરબોર્ડ પર 162 રન બનાવી શકી.
(12:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
