તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th April 2025
રોમાંચક મુકાબલો IPL 2025ની પહેલી સુપર ઓવરમાં પહોંચ્યો : દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને હરાવ્યું : માત્ર 4 બોલમાં જરૂરી રન બનાવ્યા
અરુણ જેટલી સ્ટેડિયમમાં કાંટાની ટક્કર : નિર્ધારિત ઓવરોમાં સ્કોર ટાઈ થયા બાદ સુપર ઓવરમાં દિલ્હીનો વિજય રાજસ્થાનના બેટ્સમેનો સુપર ઓવરમાં રન આઉટ : દિલ્હીએ પ્રથમ સુપર ઓવરમાં જ બાજી મારી : કેએલ રાહુલ અને ટ્રિસ્ટન સ્ટબ્સે સુપર ઓવરમાં તોફાની બેટિંગ કરી : રાજસ્થાન માત્ર 11 રન બનાવી શક્યું

નવી દિલ્હી: IPL 2025 ની 32મી મેચ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી, જે IPL 2025 ની પ્રથમ સુપર ઓવરના રોમાંચક અંત સાથે દિલ્હીએ જીતી લીધી હતી. દિલ્હી કેપિટલ્સ સામે જીત માટે 12 રનનો લક્ષ્યાંક હતો, જે તેમણે માત્ર 4 બોલમાં જ હાંસલ કરી લીધો હતો. મેચ વિનિંગ શોટ ટ્રિસ્ટન સ્ટબ્સે ફટકાર્યો હતો. આ પહેલા રાજસ્થાન રોયલ્સની ટીમ સુપર ઓવરમાં 5 બોલમાં માત્ર 11 રન જ બનાવી શકી હતી. દિલ્હી તરફથી સુપર ઓવરમાં કેએલ રાહુલ અને ટ્રિસ્ટન સ્ટબ્સે બેટિંગ કરી હતી.
આ પહેલા, રાજસ્થાન રોયલ્સની ટીમ 189 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરી હતી અને 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 188 રન બનાવી શકી હતી. આ રીતે IPL 2025 માં દિલ્હી અને રાજસ્થાન વચ્ચેનો આ મુકાબલો ટાઈ થયો હતો. રાજસ્થાનને છેલ્લી ઓવરમાં જીત માટે 9 રનની જરૂર હતી, પરંતુ મિચેલ સ્ટાર્કે શાનદાર બોલિંગ કરી અને જુરેલ અને હેટમાયરની જોડીને માત્ર 7 રન જ બનાવવા દીધા હતા.
દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતા કેપ્ટન અક્ષર પટેલની તોફાની ઇનિંગના આધારે રાજસ્થાન રોયલ્સ સામે 189 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. અક્ષર પટેલે માત્ર 14 બોલમાં 34 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. અક્ષર ઉપરાંત કેએલ રાહુલે 32 બોલમાં 38 રન બનાવ્યા હતા. દિલ્હીનો ટોપ સ્કોરર અભિષેક પોરેલ રહ્યો હતો, જે માત્ર 1 રનથી પોતાની અડધી સદી ચૂકી ગયો હતો. તેણે 37 બોલમાં 49 રનની ઇનિંગ રમી હતી અને હસરંગાનો શિકાર બન્યો હતો. રાજસ્થાન રોયલ્સ તરફથી જોફ્રા આર્ચરે 2 વિકેટ ઝડપી હતી, જ્યારે તીક્ષ્ણા અને હસરંગાએ 1-1 વિકેટ લીધી હતી.
હેડ ટુ હેડ આંકડા શું કહે છે?
હેડ ટુ હેડ આંકડાઓની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર રહી છે. અત્યાર સુધીમાં રમાયેલી કુલ 29 મેચોમાં દિલ્હીએ 14 મેચ જીતી છે, જ્યારે રાજસ્થાને 15 મેચમાં વિજય મેળવ્યો છે. આજે દિલ્હી પાસે આ સ્કોરની બરાબરી કરવાની તક હતી. દિલ્હીમાં બંને ટીમો 9 વખત ટકરાઈ છે, જેમાં દિલ્હી 6 મેચ જીતવામાં સફળ રહી છે, જ્યારે 3 મેચ રાજસ્થાને જીતી છે.
દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવન: જેક ફ્રેઝર-મેકગર્ક, અભિષેક પોરેલ, કરુણ નાયર, કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, વિપ્રજ નિગમ, મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા.
રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ ઇલેવન: યશસ્વી જાયસવાલ, સંજુ સેમસન (વિકેટકીપર/કેપ્ટન), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, નીતિશ રાણા, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહેશ થીક્ષાના, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે.
(12:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
