<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

ચેન્નઈ સુપર કિંગ્સમાં ગાયકવાડની જગ્યાએ હવે 17 વર્ષીય મુંબઈના ઓપનર બેટ્સમેનની એન્ટ્રી

બે અઠવાડિયા પહેલા CSK દ્વારા નેટમાં તેની બેટિંગ પારખવા માટે ટ્રાયલ માટે બોલાવાયો હતો

મુંબઈ :ઈજાના કારણે IPL 2025માંથી બહાર થઈ ગયેલા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડના સ્થાને ચેન્નઈ સુપર કિંગ્સ હવે મુંબઈના ઓપનર બેટ્સમેન આયુષ મ્હાત્રેને પોતાની ટીમમાં સામેલ કરશે તેવી ચર્ચા જાગી છે, 17 વર્ષીય મ્હાત્રેને બે અઠવાડિયા પહેલા CSK દ્વારા નેટમાં તેની બેટિંગ પારખવા માટે ટ્રાયલ માટે બોલાવાયો હતો અને ગાયકવાડની ઈજા બાદ તેણે આ યુવા ખેલાડીને ટીમમાં લેવાનો નિર્ણય લીધો છે.

  મ્હાત્રેએ મુંબઈ માટે 9 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી છે, જેમાં બે સદી અને એક અડધી સદી ફટકારી છે. તેણે 7 લિસ્ટ A રમતોમાં મુંબઈનું પ્રતિનિધિત્વ પણ કર્યું, જેમાં નાગાલેન્ડ સામે તેનો હાઈએસ્ટ સ્કોર 181 અને વિજય હજારે ટ્રોફી દરમિયાન સૌરાષ્ટ્ર સામે 148 રન છે. એક અહેવાલ પ્રમાણે તે ટૂંક સમયમાં CSK ટીમમાં સામેલ થશે, જોકે એ સ્પષ્ટ નથી કે તેને તરત ટીમમાં રમવાની તક મળશે કે નહીં.

મ્હાત્રેએ ગત વર્ષે ઈરાની ટ્રોફીમાં રેસ્ટ ઓફ ઈન્ડિયા સામે મુંબઈ રણજી ટ્રોફી ટીમ માટે ઓપનર તરીકે ડેબ્યૂ કર્યું હતું. શહેરના ઘણા ક્રિકેટરોની જેમ તેણે પણ સખત મહેનત કરી છે. તે સવારે 4:15 વાગ્યે ઉઠી જતો, અને પ્રેક્ટિસ માટે વિરારથી 5:00 વાગ્યાની ટ્રેન પકડીને ઓવલ ગ્રાઉન્ડ પહોંચતો હતો. તમને જણાવી દઈએ કે, તેનું ઘર મુંબઈ શહેરથી 46 કિલોમીટર દૂર છે.

તેની આક્રમક બેટિંગ શૈલીએ સિલેક્ટર્સને તેને શક્ય તેટલી ઝડપથી સિનિયર ટીમમાં લાવવા માટે મજબૂર કર્યા. જ્યારે તે 13 વર્ષનો હતો ત્યારે તેમની સ્થાનિક ટીમ વિરાર-સાઈનાથ સ્પોર્ટ્સ ક્લબે તેને તેમની સિનિયર ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો, જ્યાં તે મોટા ખેલાડીઓનો સામનો સરળતાથી કરતો હતો. તેના દાદા એક નિવૃત્ત રેલવે કર્મચારી હતા તેઓ તેને દરરોજ મુંબઈના મેદાન સુધી છોડવા આવતા હતા. 

(1:26 PM IST)