News of Friday, 4th April 2025
દિલધડક મેચમાં લખનૌનો શાનદાર વિજય :મુંબઈને 12 રને હરાવ્યું: જીત માટેના હાર્દિકના પ્રયાસ નિષ્ફ્ળ
204 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમ 5 વિકેટ ગુમાવીને 191 રન જ બનાવી શકી

મુંબઈ : IPL 2025ની 16મી મેચમાં શુક્રવારે લખનૌ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને 12 રનથી હરાવ્યું હતું. ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે છેલ્લી ઓવર સુધી ચાલેલી રોમાંચક મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 191 રન જ બનાવી શકી હતી.
મુંબઈને જીતવા માટે છેલ્લી ઓવરમાં 22 રનની જરૂર હતી. હાર્દિકે પહેલા બોલ પર સિક્સર ફટકારી હતી. બીજા બોલ પર બે રન લીધા. પરંતુ ત્રીજા અને ચોથા બોલ પર કોઈ રન બનાવી શક્યો નહોતો. પાંચમા બોલ પર એક રન થયો હતો. છેલ્લા બોલ પર બેટ્સમેનો કોઈ રન બનાવી શક્યા ન હતા.
204 રનના ટાર્ગેટનો પીછો કરવા આવેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમને બીજી ઓવરમાં જ પહેલો ઝટકો લાગ્યો હતો. વિલ જેક્સ 7 બોલમાં માત્ર પાંચ રન બનાવી શક્યો હતો. રેયાન રિકલટન પણ 5 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. નમન અને સૂર્યકુમાર વચ્ચે ત્રીજી વિકેટ માટે 35 બોલમાં 69 રનની ભાગીદારી થઈ હતી. નમન ધીરે 24 બોલમાં 46 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ 43 બોલમાં 67 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. તિલક વર્મા 23 બોલમાં 25 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો હતો. હાર્દિક પંડ્યા 16 બોલમાં 28 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. સેન્ટનર બે રન બનાવીને અણનમ રહ્યો હતો. શાર્દુલ, આકાશદીપ, અવેશ અને દિગ્વેશે 1-1 વિકેટ લીધી હતી.
પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. લખનૌ તરફથી મિશેલ માર્શે સૌથી વધુ 60 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી કેપ્ટન હાર્દિક પંડ્યાએ પાંચ વિકેટ ઝડપી હતી. પ્રથમ બેટિંગ કરવા આવેલી લખનૌ સુપર જાયન્ટ્સને મિશેલ માર્શ અને એડન માર્કરન તરફથી મજબૂત શરૂઆત મળી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 76 રનની ભાગીદારી થઈ હતી. મિચેલ માર્શ 31 બોલમાં 60 રન બનાવીને આઉટ થયો હતો. તેણે ઇનિંગમાં બે છગ્ગા અને નવ ચોગ્ગા ફટકાર્યા હતા. નિકોલસ પુરન 6 બોલમાં માત્ર 12 રન જ બનાવી શક્યો હતો. કેપ્ટન રિષભ પંત 6 બોલમાં 2 રન બનાવીને આઉટ થયો હતો. આયુષ બદોની 19 બોલમાં 30 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો અને એડન માર્કરામ 38 બોલમાં 53 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. અબ્દુલ સમદ ચાર રન અને ડેવિડ મિલર 14 બોલમાં 27 રન બનાવીને આઉટ થયા હતા. આકાશદીપ ખાતું ખોલાવી શક્યો નહોતો. હાર્દિકે છેલ્લી ઓવરમાં બે વિકેટ લઈને પાંચ વિકેટ ઝડપી હતી.
(11:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
