તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th March 2025
મુંબઇ ઇન્ડિયન્સની હાર બાદ હાર્દિક પંડયાએ કહ્યું, અમે નાની-નાની ભૂલો કરી, જેના લીધે અમે ર૦-રપ રન ગુમાવ્યા
ગુજરાત ટાઇટન્સના ઓપનરોએ ખૂબ સારી બેટીંગ કરીઃ ગત મેચનો મુંબઇ ઇન્ડિયન્સનો સ્પીનર વિગ્નેશ પુથુરને બીજા મેચમાં જગ્યા ન મળી

નવી દિલ્હીઃ IPL 2025 માં મુંબઈ ઈન્ડિયન્સનો સતત બીજો પરાજય થયો છે. ગુજરાત ટાઇટન્સે MI ને 36 રને હરાવ્યું હતું. આ પહેલા મુંબઈને CSK સામે 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. IPL 2025 માં આ પહેલી વાર છે જ્યારે મુંબઈની ટીમ હાર્દિકની કેપ્ટનશીપમાં રમી રહી છે. હાર્દિકે એક મેચનો પ્રતિબંધ પૂરો કરીને ગુજરાત સામેની મેચમાં વાપસી કરી હતી. જીટી સામેની હાર બાદ કેપ્ટન પંડ્યા ખૂબ જ નિરાશ દેખાતો હતો.
ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં એક સમયે એવું લાગતું હતું કે મુંબઈની ટીમ આ મેચ જીતી જશે કારણ કે 197 રનના લક્ષ્યાંકના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 10 ઓવરમાં લગભગ 100 રન બનાવ્યા હતા. આ પછી મુંબઈનું ભાગ્ય કેવી રીતે બદલાયું અને મુંબઈ ઇન્ડિયન્સની હાર માટે કયા કારણો જવાબદાર છે ચાલો જાણીએ.
મેચ પછીના પ્રેઝન્ટેશનમાં હાર્દિક પંડ્યાએ કહ્યું કે ટીમ દ્વારા કરવામાં આવેલી નાની ભૂલો તેમની ટીમની હારનું કારણ હતી. તેણે કહ્યું "અમે ખૂબ જ નાની ભૂલો કરી, જેના કારણે અમે 20-25 રન ગુમાવ્યા, જે T20 મેચ માટે ઘણા રન છે. ગુજરાત ટાઇટન્સના ઓપનિંગ બેટ્સમેનોએ સારી બેટિંગ કરી તેમણે ખૂબ ઓછી ભૂલો કરી, ખૂબ જ સારું રમીને રન બનાવવામાં સક્ષમ રહ્યા."
ઓપનર રોહિત શર્મા છેલ્લી મેચમાં ખાતું ન ખોલી શક્યો. તે આ મેચમાં ચોથા બોલ પર આઉટ થયો હતો. તેમના સાથી રાયન રિકેલ્ટન પણ ખાસ કંઈ કરી શક્યા નહીં. મુંબઈએ ફક્ત 35 રનમાં બે વિકેટ ગુમાવી દીધી. મુંબઈની હારનું આ મુખ્ય કારણ હતું.
આ મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યાની બેટિંગ પણ નિષ્ફળ રહી. તે 17 બોલમાં માત્ર 11 રન બનાવીને આઉટ થયો હતો. આ વખતે તેનો સ્ટ્રાઇક રેટ પણ 70 કરતા ઓછો હતો.
આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા રોબિન મિંજન ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમ્યો હતો. પરંતુ તે પણ કશું ખાસ કરી શક્યો નહીં. તે 6 બોલમાં 3 રન બનાવીને સાઈ કિશોરનો શિકાર બન્યો. છેલ્લી મેચમાં પણ તે સાવ ઓછા રનમાં આઉટ થઈ ગયો હતો.
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી બોલિંગમાં મુજીબ ઉર રહેમાને નિરાશ કર્યા. અમદાવાદની પીચ સ્પિનરોના ફેવરમાં માનવામાં આવે છે પરંતુ મુજીબે 2 ઓવરમાં 28 રન આપ્યા. સત્યનારાયણ રાજુએ 3 ઓવરમાં 40 રન આપ્યા.
MI ની હારનું બીજું કારણ એ હતું કે ગયા મેચનો હીરો મિસ્ટ્રી સ્પિનર વિગ્નેશ પુથુર આ મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં નહોતો. તેણે ચેન્નાઈમાં 3 વિકેટ લીધી હતી પરંતુ અહીં તેનું નામ પ્લેઈંગ ઈલેવનમાં નહોતું.
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિકે કહ્યું કે આ તો આઈપીએલ 2025ની માત્ર શરૂઆત છે અને હજુ ઘણું બધું ચકાસવાનું બાકી છે. તેણે એમ પણ કહ્યું કે બેટ્સમેનોએ શક્ય તેટલી વહેલી તકે પોતાની જવાબદારી સમજવી પડશે. જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો મુંબઈએ 37 ધીમા બોલ ફેંક્યા જેમાં તેમને ફક્ત એક જ વિકેટ મળી. બીજી તરફ ગુજરાતના બોલરોએ 32 ધીમા બોલ ફેંક્યા જેમાં તેમણે 3 વિકેટ લીધી.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સે MI સામે જીતની હેટ્રિક બનાવી છે. અહીં ગુજરાતે છેલ્લી ત્રણ મેચમાં મુંબઈને હરાવ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મુંબઈ સામે ગુજરાતનો જીત-હારનો રેકોર્ડ હવે 4-2નો છે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
