તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th March 2025
ગુજરાતના ઘરમાં ઘુસી પંજાબ ટીમની સિંહ ગર્જના: અય્યર-શશાંકની ઇનિંગ સામે ગિલની સેના શરણે
પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને હરાવ્યું: પંજાબની ટીમે પ્રથમ બેટિંગ કરતા 243 રન બનાવ્યા અને જવાબમાં ગુજરાતની ટીમે રન 232 રન બનાવ્યા

અમદાવાદ : IPL 2025 ની પાંચમી મેચ ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પંજાબની ટીમે પ્રથમ બેટિંગ કરતા 243 રન બનાવ્યા હતા જેના જવાબમાં ગુજરાતની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 232/5 રન બનાવી શકી હતી.
આમ પંજાબ કિંગ્સે ગુજરાતને 11 રને હરાવીને જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. ગુજરાતની ટીમ તરફથી સાઈ સુદર્શને સૌથી વધુ 74 રન બનાવ્યા હતા.
પંજાબ કિંગ્સના 17મા કેપ્ટન બનેલા શ્રેયસ અય્યરે ગુજરાત ટાઇટન્સ સામે શાનદાર બેટિંગ કરી હતી. પંજાબની ટીમે પ્રથમ બેટિંગ કરીને શાનદાર શરૂઆત કરી હતી. પ્રભસિમરન સિંહ અને પ્રિયાંશ આર્ય વચ્ચે પ્રથમ વિકેટ માટે 28 રનની ભાગીદારી થઈ હતી. કાગીસો રબાડાએ વિકેટકીપર બેટ્સમેન પ્રભસિમરનને અરશદ ખાનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
આ દરમિયાન પ્રભાસિમરન 5 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ શ્રેયસ અય્યર અને પ્રિયાંશ આર્યએ ટીમની ઇનિંગને સંભાળવાની જવાબદારી લીધી હતી. બંને વચ્ચે બીજી વિકેટ માટે 21 બોલમાં 51 રનની ભાગીદારી થઈ હતી. ડેબ્યૂ કરનાર પ્રિયાંશે મેચમાં 23 બોલમાં 47 રન બનાવ્યા હતા. રાશિદ ખાને તેને સાઈ સુદર્શનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
આ પછી મેચમાં શ્રેયસ અય્યરે 42 બોલમાં 97 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેનો સ્ટ્રાઇક રેટ 230 હતો. તેની ઇનિંગમાં 5 ચોગ્ગા અને 9 છગ્ગા હતા. આ રીતે શ્રેયસ IPLમાં પોતાની પ્રથમ સદી માત્ર 3 રનથી ફટકારવામાં ચૂકી ગયો હતો
છેલ્લી ઓવરમાં એવું લાગતું હતું કે શશાંક સિંહ ઐયરને સદી ફટકારવાની તક આપશે, પરંતુ તેણે તેમ કર્યું નહીં. છેલ્લી ઓવરમાં શશાંકે 4 ચોગ્ગા ફટકાર્યા હતા અને 16 બોલમાં 44 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. આ રીતે પંજાબની ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 243 રન બનાવ્યા હતા.
IPLનો સૌથી શરમજનક રેકોર્ડ ગ્લેન મેક્સવેલના નામે જોડાયો. ગુજરાત સામેની મેચમાં ગ્લેન મેક્સવેલ પંજાબ કિંગ્સ માટે ખાતું પણ ખોલી શક્યો નહોતો. સાઈ કિશોરે તેને પહેલા બોલ પર આઉટ કર્યો હતો. આ રીતે, તે IPLમાં સૌથી વધુ વખત (19 વખત) શૂન્ય પર આઉટ થનાર બેટ્સમેન બન્યો.
પંજાબે આપેલા 244 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે ગુજરાત ટાઇટન્સે સારી શરૂઆત કરી હતી. ગુજરાતની ટીમ માટે સાઈ સુદર્શને આક્રમક બેટિંગ કરી હતી. તેણે 41 બોલનો સામનો કરીને 4 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 74 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 180 હતો.
કેપ્ટન શુભમન ગિલ 33 રન બનાવી મેક્સવેલનો શિકાર બન્યો હતો. આ સાથે જ વિકેટકીપર જોસ બટલરે અંત સુધી ગુજરાતની ટીમને મજબૂત કરવાનું કામ કર્યું.
શેરફેન રધરફોર્ડે તેને ટેકો આપ્યો, પરંતુ સાઈ સુદર્શન, બટલર કે રધરફોર્ડની ઈનિંગ્સ ગુજરાત માટે કામ ન કરી શકી. ગુજરાતની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 232 રન જ બનાવી શકી હતી. આ રીતે પંજાબ કિંગ્સની ટીમે 11 રને મેચ જીતી લીધી હતી.
(12:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
