તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th March 2025
BCCI એ મહિલા ક્રિકેટરો માટેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યા, 16 ખેલાડીઓને મળ્યું સ્થાન
સુકાની હરમનપ્રીત, સ્મૃતિ અને દીપ્તિનો ગ્રેડ A માં સમાવેશ, હાલમાં બહાર રહેલી શેફાલી ગ્રેડ B માં

મુંબઈ : BCCI દ્વારા મહિલા ખેલાડીઓ માટે 2025 ના વાર્ષિક કરાર ની જાહેરાત કરવામાં આવી છે. બોર્ડે 16 મહિલા ખેલાડીઓને 3 શ્રેણીઓમાં વહેંચી છે. ગ્રેડ A માં સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌર સહિત 3 ખેલાડીઓનો સમાવેશ થાય છે. ગ્રેડ B માં શેફાલી વર્મા સહિત 4 ખેલાડીઓ છે જયારે ગ્રેડ C માં અન્ય 9 ખેલાડીઓ છે.
બીસીસીઆઈએ ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા, સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની શ્રેણી Aમાં સામેલ કર્યા છે. રેણુકા સિંહ ઠાકુર, જેમિમા રોડ્રિગ્સ, રિચા ઘોષ અને શેફાલી વર્માનો યાદી B માં સમાવેશ કરવામાં આવ્યો છે. BCCI ટૂંક સમયમાં પુરુષ રાષ્ટ્રીય ટીમ માટે પણ કેન્દ્રીય કરારોની યાદી જાહેર કરશે.
મહિલા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ ૧૬ ખેલાડીઓ:
ગ્રેડ A: હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા
ગ્રેડ બી: રેણુકા સિંહ, જેમીમા રોડ્રિગ્સ, રિચા ઘોષ, શેફાલી વર્મા
ગ્રેડ સી: યાસ્તિકા ભાટિયા, રાધા યાદવ, શ્રેયંકા પાટિલ, ટાયટસ સાધુ, અરુંધતી રેડ્ડી, અમનજોત કૌર, ઉમા છેત્રી, સ્નેહ રાણા તથા પૂજા વસ્ત્રકાર.
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં કોને કેટલા પૈસા મળશે?
ગ્રેડ A માં સમાવિષ્ટ સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્માને વાર્ષિક ૫૦ લાખ રૂપિયા મળશે. ગ્રેડ B માં સમાવિષ્ટ 4 ખેલાડીઓને વાર્ષિક 30 લાખ રૂપિયા મળશે. ગ્રેડ સીમાં સમાવિષ્ટ 9 મહિલા ખેલાડીઓને દર વર્ષે 10 લાખ રૂપિયા મળશે.
વર્ષ 2022 માં, BCCI એ જાહેરાત કરી હતી કે પુરુષ અને મહિલા ક્રિકેટરોને સમાન મેચ ફી આપવામાં આવશે. જોકે, વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં તફાવત છે. પુરુષ ક્રિકેટરોને 4 શ્રેણીઓમાં અને મહિલા ક્રિકેટરોને 3 શ્રેણીઓમાં મૂકવામાં આવ્યા છે. પુરુષ C શ્રેણીના ખેલાડીઓને, મહિલા A શ્રેણીના ખેલાડીઓ કરતાં પણ વધુ પૈસા મળે છે.
ભારતીય પુરુષ ક્રિકેટરોના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની વાત કરીએ તો, ગ્રેડ A ખેલાડીઓને દર વર્ષે 5 કરોડ રૂપિયા મળે છે. ગ્રેડ B ના ખેલાડીઓને 3 કરોડ રૂપિયા અને ગ્રેડ C ના ખેલાડીઓને 1 કરોડ રૂપિયા મળે છે. પુરુષોના ક્રિકેટમાં સૌથી મોટો ગ્રેડ એ પ્લસ છે, તેમાં સમાવિષ્ટ ખેલાડીઓને દર વર્ષે 7-7 કરોડ રૂપિયા મળે છે.
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
