તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th March 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં કારમી હાર, ૮૦૦ કરોડનું નુકસાન પણ ખરું
પાકિસ્તાનને પડ્યા પર પાટુ...!:ટુર્નામેન્ટની ફાઈનલ ૯ માર્ચે થઈ હતી જેમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને હરાવીને ખિતાબ જીત્યો હતો

ઈસ્લામાબાદ, તા.૧૭
૨૯ વર્ષ બાદ પોતાની મેજબાનીમાં ICC ટુર્નામેન્ટ કરાવવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ભારે પડી ગયું. કંગાળી વેઠી રહેલા પાકિસ્તાની બોર્ડને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની મેજબાનીથી લગભગ ૮૦૦ કરોડ રૃપિયાનું નુકસાન થયું. ટુર્નામેન્ટની ફાઈનલ ૯ માર્ચે થઈ હતી જેમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને હરાવીને ખિતાબ જીત્યો હતો.
પાકિસ્તાને સ્વપ્ન જોયા હતાં કે તેને આ ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાનીથી અબજો રૃપિયાનો ફાયદો થશે પરંતુ મામલો ઉલટો જ પડી ગયો. ટુર્નામેન્ટ માટે પાકિસ્તાની બોર્ડે સ્ટેડિયમને સુધારવામાં કરોડો રૃપિયા ખર્ચ કર્યા પરંતુ તેને આખરે ૮૫ ટકા નુકસાન વેઠવું પડ્યું.
PCB એ ઘરઆંગણે મેચ કરાવવા માટે લગભગ ૮૫૧ કરોડ રૃપિયા ખર્ચ કર્યા હતા. તેમ છતાં તેને માત્ર ૫૨ કરોડ રૃપિયાની જ કમાણી થઈ, જેનાથી તેને લગભગ ૭૯૯ કરોડ રૃપિયાનું નુકસાન વેઠવુ પડ્યું. તેની અસર ખેલાડીઓ પર જ પડી છે. પીસીબીએ આ નુકસાનની ચૂકવણી માટે ઘરેલુ ખેલાડીઓની મેચ ફી માં ભારે ઘટાડો કર્યો છે.
ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ પાકિસ્તાનના ૩ વેન્યૂ લાહોર, કરાચી અને રાવલપિંડીમાં હતી જ્યારે ભારતીય ટીમે પોતાની તમામ મેચ દુબઈમાં રમી. ફાઈનલ પણ દુબઈમાં જ થઈ હતી. પાકિસ્તાની બોર્ડે ત્રણેય ઘરેલુ સ્ટેડિયમોને ઠીક કરવામાં ૫૮ મિલિયન ડોલર (લગભગ ૫૦૪ કરોડ ભારતીય રૃપિયા) ખર્ચ કર્યા હતાં. આ પીસીબીના કુલ બજેટનું ૫૦ ટકા વધુ છે. ૪૦ મિલિયન ડોલર (લગભગ ૩૪૭ કરોડ ભારતીય રૃપિયા) ટુર્નામેન્ટની તૈયારીમાં ખર્ચ કર્યા. આટલો કુલ ખર્ચ કર્યા બાદ પીસીબીને લગભગ ૫૨ કરોડ રૃપિયાનો જ ફાયદો થયો છે. દરમિયાન તેને ટુર્નામેન્ટમાં લગભગ ૮૫% નુકસાન વેઠવું પડ્યું.
પાકિસ્તાન ક્રિકેટ ટીમે પોતાના ઘરમાં થયેલી આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં શરમજનક પ્રદર્શન કર્યું હતું. આ ટીમ કોઈ મેચ જીત્યા વિના ૫ દિવસમાં જ બહાર થઈ ગઈ હતી. ટીમ ગ્રૂપ સ્ટેજમાં આગળ વધી શકી નહીં. પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ અને ભારતે હરાવ્યુ જ્યારે બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ વરસાદથી ધોવાઈ ગઈ હતી.
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
