તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th March 2025
સચિનની સેના ચેમ્પિયનઃ ફાઇનલમાં લારાની ઇલેવનને હરાવ્યું
ભારતે એક સપ્તાહમાં બે ટાઇટલ જીત્યાઃ ટૂર્નામેન્ટમાં સચિન અને યુવરાજનો દબદબો રહયો ઇન્ડિયા માસ્ટર્સે વેસ્ટ ઇન્ડિઝ મસ્ટસેને પછાડી ઇન્ટરનેશનલ માસ્ટર્સલીંગ ટી ર૦ ટાઇટલ જીતી લીધુ

નવી દિલ્હીઃ ક્રિકેટની દ્રષ્ટિએ ભારત માટે છેલ્લું અઠવાડિયું ખૂબ સારું રહ્યું છે. ભારતે ૭ દિવસમાં બીજી ટ્રોફી જીતી છે. થોડા દિવસો પહેલા, ટીમ ઈન્ડિયાએ દુબઈમાં ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને આઇસીસી ટ્રોફી જીતી હતી. એક અઠવાડિયા પછી, સચિન તેંડુલકરની કેપ્ટનશીપ હેઠળ, ઇન્ડિયા માસ્ટર્સે વેસ્ટ ઇન્ડીઝ માસ્ટર્સને હરાવી અને ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ ટી ર૦ ટાઇટલ જીત્યું છે. રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં ઇન્ડિયા માસ્ટર્સે વેસ્ટ ઇન્ડીઝને ૬ વિકેટથી હરાવ્યું છે. બ્રાયન લારા વેસ્ટ ઇન્ડીઝ માસ્ટર્સ ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટમાં સચિન તેંડુલકર અને યુવરાજસિંહનો દબદબો રહ્યો છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન, ચાહકોએ દિગ્ગજ સચિન અને યુવીને શાનદાર પ્રદર્શન કરતા જોયા છે.
વેસ્ટ ઈન્ડિઝ માસ્ટર્સે ઈન્ડિયા માસ્ટર્સ સામે જીત માટે ૧૪૯ રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. વિન્ડીઝ માસ્ટર્સે લેન્ડલ સિમન્સના ૫૭ રન અને ડ્વેન સ્મિથના ૪૫ રનના આધારે ૭ વિકેટે ૧૪૮ રન બનાવ્યા હતા. ઇન્ડિયા માસ્ટર્સ તરફથી વિનય કુમારે ૩ વિકેટ લીધી જયારે શાહબાઝ નદીમે ૨ વિકેટ લીધી હતી. અંબાતી રાયડુની ૭૪ રનની શાનદાર ઇનિંગના આધારે ઇન્ડિયા માસ્ટર્સે ૧૭.૧ ઓવરમાં ૪ વિકેટે ફાઇનલ જીતી લીધી હતી. ઇન્ડિયા માસ્ટર્સ માટે, રાયડુએ ૫૦ બોલમાં ૯ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૭૪ રનનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો જયારે કેપ્ટન સચિન તેંડુલકરે ૧૮ બોલમાં ૨૫ રનનું યોગદાન આપ્યું હતું. સ્ટુઅર્ટ બિન્ની ૯ બોલમાં ૧૬ રન બનાવીને અને યુવરાજ સિંહ ૧૧ બોલમાં ૧૩ રન બનાવીને અણનમ રહ્યા હતા.
વેસ્ટ ઈન્ડિઝ માસ્ટર્સ માટે એશ્લે નર્સે સૌથી વધુ ૨ વિકેટ લીધી હતી. ૧૪૯ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઇન્ડિયા માસ્ટર્સને સચિન અને અંબાતી રાયડુની ઓપનિંગ જોડીએ શાનદાર શરૂઆત અપાવી હતી. આ જોડીએ પ્રથમ વિકેટ માટે ૬૭ રનની ભાગીદારી કરી હતી. સચિન તેન્ડુલકર આઠમી ઓવરમાં આઉટ થયા હતા. તેંડુલકર આઉટ થયા પછી, રાયડુએ બીજા છેડે સ્થિતિને સંભાળી હતી. આ પછી તરત જ ગુરકીરત સિંહ માન પણ ૧૪ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ગુરકીરત આઉટ થયા પછી, યુવરાજ સિંહ ક્રીઝ પર આવ્યો. રાયડુ અને યુવરાજે ૧૪ ઓવરમાં ટીમનો સ્કોર ૧૨૪ રન સુધી પહોંચાડ્યો, પરંતુ બીજી જ ઓવરમાં રાયડુ લાંબો શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે આઉટ થઈ ગયો હતો. યુસુફ પઠાણ ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યા હતા. પરંતુ યુવરાજે એક છેડો પકડી રાખ્યો અને સ્ટુઅર્ટ બિન્ની સાથે મળીને ૧૮મી ઓવરમાં ટીમને ચેમ્પિયન બનાવી હતી.
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
