<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

ફૂટબોલ ચાહકો માટે ખુશખબરી : પૂર્વ કેપ્ટ્ન સુનીલ છેત્રી નિવૃત્તિમાંથી પાછો ફર્યો : 9 મહિના પહેલા નિવૃત્ત થયો હતો

ભારતના રેકોર્ડ ગોલ સ્કોરર અને ભૂતપૂર્વ ફૂટબોલ કેપ્ટન સુનીલ છેત્રીએ નિવૃત્તિમાંથી વાપસી કરવાનો નિર્ણય લીધો

ભારતના રેકોર્ડ ગોલ સ્કોરર અને ભૂતપૂર્વ ફૂટબોલ કેપ્ટન સુનીલ છેત્રીએ નિવૃત્તિમાંથી વાપસી કરવાનો નિર્ણય લીધો છે. તેઓ ગયા વર્ષે જૂનમાં નિવૃત્ત થયા હતા. તે 9 મહિના પછી જ પરત ફરવા માટે તૈયાર છે. સુનીલ છેત્રી આ મહિનાના અંતમાં માલદીવ અને બાંગ્લાદેશ સામેની આંતરરાષ્ટ્રીય મેચમાં ટીમ ઈન્ડિયા માટે રમશે. તે ટીમની કેપ્ટનશિપ પણ કરશે

      40 વર્ષીય છેત્રીએ ગયા વર્ષે જૂનમાં ફિફા વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયરમાં કુવૈત સાથે ગોલ રહિત ડ્રો બાદ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. તે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, લિયોનેલ મેસ્સી અને અલી ડેઈ પછી પુરૂષ ફૂટબોલમાં ચોથા સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે. તેણે અત્યાર સુધીમાં 94 ગોલ કર્યા છે. 

   નિવૃત્તિ પછી, સુનીલ છેત્રીએ ભારતના ટોચના વિભાગ ઈન્ડિયન સુપર લીગ (ISL) માં બેંગલુરુ FC માટે રમવાનું ચાલુ રાખ્યું. આ સિઝનમાં 12 ગોલ સાથે તે સૌથી વધુ ગોલ કરનાર ભારતીય ખેલાડી છે. તેણે બેંગલુરુ એફસી માટે 23 મેચ રમી છે, તેમાંથી 17 મેચ શરૂ કરી છે અને 14 ગોલ કર્યા છે. તેના નામની બે આસિસ્ટ પણ છે. 

  ભારતને બાંગ્લાદેશ, હોંગકોંગ અને સિંગાપોરની સાથે ક્વોલિફાઈંગ ગ્રુપમાં રાખવામાં આવ્યું છે. તેઓ આ મહિનાના અંતમાં શિલોંગના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં માલદીવ્સ સામે 19 માર્ચે મૈત્રીપૂર્ણ મેચથી તેમના અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ તેઓ 2027 AFC એશિયન કપ ક્વોલિફાયરના ત્રીજા રાઉન્ડમાં બાંગ્લાદેશ સામે ટકરાશે 

  ભારતના મુખ્ય કોચ માનોલો માર્ક્વેઝે કહ્યું, “એશિયન કપ માટે ક્વોલિફિકેશન અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટૂર્નામેન્ટ અને આગામી મેચોના મહત્વને ધ્યાનમાં રાખીને, મેં સુનિલ છેત્રી સાથે રાષ્ટ્રીય ટીમને મજબૂત કરવા માટે પુનરાગમન કરવા વિશે ચર્ચા કરી. તે સંમત થયો અને તેથી અમે તેને ટીમમાં સામેલ કર્યો છે.'' એશિયન કપની છેલ્લી આવૃત્તિમાં ભારતનું અભિયાન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. ટીમ ઈન્ડિયા ત્રણેય મેચ હારીને ગ્રુપ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી.

(12:07 AM IST)